રાજ્યમાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કાર્યવાહી કરવા પોલીસવડાને રજુઆત
ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના કમિશનર દ્વારા રાજયના ટ્રાફીક બ્રાન્ચના વડાને પત્ર લખી બ્લેક ફિલ્મવાળી અને નંબર પ્લેટ વીનાના વાહનો સામે કડક કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ યોજવા માંગ કરી છે.
રોડ સેફટી ઓથોરીટીના કમિશનર એસ.એ. પટેલે પત્રમાં જણાવ્યું છે કે અત્રેના અવલોકને આવેલ છે કે સમગ્ર રાજ્યમાં ઘણા વાહનો બ્લેક ફિલ્મવાળા ગ્લાસ સાથે તેમજ નંબર પ્લેટ વગર અથવા કાળો નાગ, રામધણી જેવાં શબ્દો નંબર પ્લેટની જગાએ લગાવીને જાહેરમાર્ગો ઉપર ખુલ્લેઆમ ફરતાં જોવા મળેલ છે. જે ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘન ઉપરાંત માર્ગ સલામતી સામે પડકારરૂૂપ જોખમ પણ સર્જે છે.
આ પ્રકારના વાહનોની માર્ગ અકસ્માતોના સમયે ઓળખ પણ મુશ્કેલ બને છે તેમજ વાહન ચાલકોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. આવાં વાહનોના અકસ્માતથી નિર્દોષ નાગરિકો ભોગ બને છે તથા હીટ એન્ડ રનના કિસ્સાઓનું પ્રમાણ વધી જાય છે.
માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં બ્લેક ફિલ્મવાળા ગ્લાસ ધરાવતા તેમજ નંબર પ્લેટ વગર/અસ્પષ્ટ નંબર પ્લેટ ધરાવતા તમામ વાહન ચાલકો સામે કડક એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ કરવી અત્યંત જરૂૂરી છે.
આ બાબતે રાજ્યમાં તમામ જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં અસરકારક એન્ફોર્સમેન્ટ કરવા જરૂૂરી સૂચનાઓ તાબા હેઠળની કચેરીઓને આપી આવા વાહનો સામે નિયમિત ચેકિંગ, સ્પેશિયલ ડ્રાઇવ અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જોવા વિનંતી છે. આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા તથા તે બાબતે કરેલ કાર્યવાહીનો અહેવાલ પણ મોકલવા પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.