જેતપુરમાં નવા બંધાતા મકાનમાંથી કિંમતી નળ, વાલ્વની ચોરી કરતી મહિલા ઝડપાઈ
છેલ્લા 10 દિવસમાં ચાર મકાનમાંથી લાખો રૂપિયાનો સામાન ચોરી કર્યાની કબૂલાત
જેતપુરના જુદા જુદા વિસ્તારમાં નવા બંધાતા મકાનમાંથી કિંમતી નળ, વાલ્વની ચોરી કરતી મહિલાની પોલીસે ધરપકડ કરી લાખો રૂપિયાનો ચોરાઉ મુદ્દામાલ કબજે કરી આગવી ઢબે પુછપરછ કરતાં છેલ્લા 10 દિવસમાં ચાર મકાનમાં પ્રવેશ કરી કિંમતી નળ, વાલ્વની ચોરી કર્યાની કબુલાત આપી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે જેતપુરમાં જ રહેતી મીનાબેન ચંદુભાઈ સોલંકી નામની મહિલાની ધરપકડ કરી તેની પાસેથી લાખો રૂપિયાની કિંમતના ચોરાઉ, નળ, વાલ્વ સહિતનો માલસામાન કબજે કર્યો હતો.
પોલીસની પુછપરછમાં મહિલા છેલ્લા 10 દિવસથી જેતપુરમાં નવા બંધાતા મકાનમાંથી કિંમતી નળ, વાલ્વની ચોરી કરી ભંગારના ભાવે વેચી નાખતી હતી. પોલીસની તપાસમાં મહિલાએ જેતપુરના નાજાવાળા વિસ્તારમાં ખોડીયાર ફર્નિચર નામનો શો રૂમ ધરાવતાં વેપારી નરેશભાઈ ભનુભાઈ પટેલના નવા બંધાતા વૃંદાવન પાર્કના બંગલામાંથી 47 હજારની કિંમતના પાણીની પાઈપ લાઈનમાં ફીટ કરવામાં આવેલ નવ વાલ્વ અને પલમ્બીંગના સામાનની ચોરી કર્યાની કબુલાત આપી છે.
આ ઉપરાંત મહિલાએ છેલ્લા 10 દિવસમાં અમીતભાઈ વલ્લભભાઈ સાવલીયા, હિતેશભાઈ નાગજીભાઈ ખાચરીયા, મોહિતભાઈ શૈલેષભાઈ જગડના નવા બંધાતા મકાનમાંથી પાણીના નળ, વાલ્વની ચોરી કર્યાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.