24 કલાકમાં જ ડો.કનુભાઈ કળસરિયાના સૂર બદલાયા, ટિકિટ આપે તો ભાજપમાં જોડાશે
- કોઈ પદ મળે તો લોકકલ્યાણના કામો પણ થઈ શકે
ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય રહેલા અને એક સમયના જાયન્ટ કિલર નેતા તરીકેની છાપ ધરાવતા કનુભાઈ કલસરિયાએ હજુ ગઈકાલે જ ભાજપમાં જોડાવાની અટકળો પર જાતે જ પૂર્ણ વિરામ મુક્યુ હતુ.જો કે એક જ દિવસમાં કનુભાઈ કલસરિયાના સૂર બદલાઇ ગયા છે. અને કલસરિયાએ નિવેદન આપ્યુ કે કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવે તો ભાજપમાં જોડાઈશ.
થોડા દિવસ પહેલા કનુભાઈ કલસરિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી હતી. જો કે એ બાદ તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ. જેના પર કલસરિયાએ જણાવ્યુ હતુ કે તેઓ એક સપ્તાહની અંદર નિર્ણય કરીને જણાવશે.
તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડતા ગઇકાલે 19 માર્ચના રોજ તેમણે ભાજપમાં જોડાવાની વાત પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. અને કહ્યુ હતુ કે હાલ કોઈપણ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી. ભાજપમાં જોડાવા માટે મારુ મન માનતુ નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે મારી ખેડૂતોના પ્રશ્નો માટેની લડાઈ ચાલુ રહેશે.
જો કે આજે અચાનક તેમના બદલાયેલા સૂર જોવા મળી રહ્યા છે. ડો. કલસરિયાએ નિવેદન આપ્યુ છે કે કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવે તો ભાજપમાં જોડાઈશ. કોઈ પદ મળે તો લોકકલ્યાણના કામો સરળતાથી થઈ શકે. તેમણે કહ્યુ કે સત્તા મેળવવાનો કે પદ પર ચોંટી રહેવાનો તેમને કોઈ મોહ નથી.