શતરંજમાં સફળતા મેળવી જીતી જીવનની બાજી
પ્રોફેશનલ ટ્રેનિંગ વગર નાનપણમાં પિતાજી પાસે ચેસ શીખતાં શીખતાં નેશનલ પ્લેયર બન્યા ડો.દીપમાલા ચંદે
ડો.દીપમાલા ચંદેએ અત્યાર સુધીમાં 100થી વધુ એવોર્ડ અને 200 જેટલા સર્ટિફિકેટ મેળવ્યા છે
દસ દિવસની દીકરીને કમરમાં ટ્યુમર હોવાથી માતા-પિતા દીકરીની સર્જરી કરાવે છે. માતા-પિતાને એમ કે દીકરીની સર્જરી બાદ ભવિષ્યમાં દીકરીને કોઈ મુશ્કેલી નહીં થાય પરંતુ ડોક્ટરોની ભૂલના કારણે માતા-પિતાની ઈચ્છાથી વિપરીત પરિણામ આવ્યું. દીકરીના જમણા પગમાં હંમેશ માટે ખોટ રહી ગઈ અને સુંદર કિલકિલાટ કરતી દીકરીના નસીબમાં ડિસેબલનું લેબલ લાગ્યું. એ સમયે નિરાશ થયેલા માતા-પિતાને ક્યાં ખબર હતી કે આ જ દીકરી મોટી થઈને હિમ્મત, બહાદુરી અને આત્મવિશ્વાસથી સફળતા પ્રાપ્ત કરી પોતાને ગૌરવ અપાવશે.આ વાત છે રાજકોટના નેશનલ પ્લેયર અને ચેસ કોચ ડો.દીપમાલા ચંદેની. તેઓએ ચેસની રમતમાં અગણિત એવોર્ડ મેળવ્યા છે.
અત્યાર સુધીમાં તેઓએ 100 થી વધારે એવોર્ડ અને 200 જેટલા સર્ટિફિકેટ મેળવ્યા છે.તેમના ઘરે એક આખો શો કેસ ફક્ત એવોર્ડથી ભર્યો છે. હજુ પણ તેઓની સફળતાની યાત્રા અવિરત ચાલુ જ છે.
મૂળ નલિયાના કચ્છી પરિવારના ડો. દીપમાલા ચંદેએ એમએ,એમ ફીલ, પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે.પોતે 60 ટકા ડીસેબલ હોવા છતાં એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે. પોતે ચેસ કોચ હોવાથી સવારમાં તેઓ સેન્ટર પર વિદ્યાર્થીઓને શીખવવા સ્કૂટર પર નીકળી જાય છે અને સામાન્ય લોકોની જેમ જ અન્ય પ્રવૃત્તિ પણ કરે છે.
પોતાના આત્મવિશ્વાસનું શ્રેય તેઓ માતા-પિતાને આપે છે.પિતા મનજીભાઈ ચંદે કે જેઓ એજી ઓફિસના નિવૃત્ત વેલફેર ઑફિસર છે તેમજ માતા પુષ્પાબેન ગૃહિણી છે, બંને દીકરીને આગળ વધવાનું બળ પૂરું પાડી રહ્યા છે.ભારતમાં વિજયવાડા, રાયપુર, છત્તીસગઢ, ઝારખંડ અમદાવાદ દરેક જગ્યાએ તેઓ કોમ્પિટિશન માટે ગયા છે આ ઉપરાંત દુબઇ, ભુતાન, નેપાલ વગેરે દેશોમાં પણ ચેસ રમ્યા છે. દરેક જગ્યાએ પિતા સાથે જ હોય છે. દીપમાલાએ ક્યારેય પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી નથી નાનપણમાં પિતાજી જ તેના ગુરુ હતા અને તેની પાસેથી ચેસ શીખતાં શીખતાં જ તેઓ અહીં સુધી પહોંચ્યા છે.
તેઓ જે પણ કરે તે ધગશ અને હાર્યા વગર કરે છે એટલે જ ચેસ સિવાય રમતમાં તથા સ્પર્ધામાં સફળતા મેળવી છે. હાલ તેઓ શૂટિંગ શીખી રહ્યા છે કારણ કે ઓર્થોપેડિક હેન્ડીકેપ લોકો માટે ચેસમાં અલગ કેટેગરી રાખવામાં આવી નથી.પેરા નેશનલ ગેમમાં બ્લાઈન્ડની માફક ઘઇં કેટેગરીમાં પણ ચેસની ગેમ શરૂૂ કરવામાં આવે તેવી તેમની ઈચ્છા છે. અત્યારે તો તેઓનું ફોકસ શૂટિંગમાં છે તાજેતરમાં તેઓ ફક્ત 2 મહિનાની ટ્રેનિંગ છતાં શૂટિંગમાં પ્રી નેશનલ પૂર્ણ કરી પેટા નેશનલ સુધી પહોંચ્યા છે. તેઓનું સ્વપ્ન છે કે શૂટિંગ સ્પર્ધામાં ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચીને દેશનું નામ રોશન કરવું અને પોતાના વિદ્યાર્થીઓનું ચેસની દુનિયામાં નામ રોશન થાય.ડો.દીપમાલા ચંદેને ખૂબ ખુબ શુભેચ્છાઓ.
માતાઓને ખાસ વિનંતી
ડો.દીપમાલા ચંદેએ માતાઓને સંદેશ આપતા ખાસ જણાવ્યું હતું કે, ‘જો તમારા બાળકો ડિસેબલ હોય તો નિરાશ ન થાઓ તેને સામાન્ય બાળકની જેમ વિકસવા દો. તેનામાં રહેલી આવડતને આકાર આપો. તેનામાં આત્મવિશ્વાસ ખીલવા દો તો ચોક્કસ તે સફળ થશે. બીજું અત્યારના સમયમાં માતા પોતાના બાળકને દરેક ક્ષેત્રમાં અવ્વલ બનાવવા માગે છે જે યોગ્ય નથી બાળક જે ક્ષેત્રમાં નિપૂણ હોય તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરી તે વિષયમાં આગળ વધારશો તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે.જો તમે તમારા બાળકને ગુકેશ બનાવવા માગતા હો તો પ્રોફેશનલ કોચ પાસે રેગ્યુલર તાલીમ તેમજ ચેસની એક ગેમ પર જ ફોકસ રાખવું જરૂૂરી બની જાય છે.’
ડી.ગુકેશ બનવા આટલું કરો
ડો.દીપમાળા ચંદેએ વિદ્યાર્થીઓને ચેસ ટિપ્સ આપતા જણાવ્યું કે, ‘રેગ્યુલર 4 થી 5 કલાકની પ્રેક્ટિસ કરવી જરૂૂરી છે. સફળ થવા માટે સખત મહેનત અને પ્રેક્ટિસ કરો. આ સાથે જ ધ્યાન રાખો કે ચેસ માટે ખાસ તૈયારી કરવી જરૂૂરી છે, નિયમિત પ્રેક્ટિસ કરવી જરૂૂરી છે. મગજ શાંત રહે તે માટે પઝલ કરવામાં આવે છે. આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં જે રીતે રમવાનું હોય તે રીતે પ્રેક્ટિસ કરવી જરૂૂરી છે. આ ગેમ બ્રેઇન ગેમ છે જેમાં એકાગ્રતા, ડિસિઝન પાવર, કેલ્ક્યુલેટિંગ સ્કીલ તથા માઈન્ડ શાર્પ રાખવું જરૂૂરી છે.’
વિવિધ ક્ષેત્રોમાં સફળતાથી ભરપુર છે કારકિર્દી
ડો.દીપમાલા ચંદેએ ચેસ સહિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બની સફળતા મેળવી છે.
ચેસમાં કોલેજ, ઇન્ટર કોલેજ સ્તરના ઇનામો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ મેળવી છે. ડિસ્ટ્રિક્ટ,સ્ટેટ અને નેશનલ લેવલ તેમજ ચેસની ઇન્ટરનેશનલ રેટિંગ ટૂર્નામેન્ટ્સમાં પણ પાર્ટીસિપેટ થયેલ છે.
તેમણે બનાવેલા ડ્રોઇંગ્સ પણ ઇન્ટરનેશનલ સુધી સિલેક્ટ થયેલા છે, સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, ફ્રાન્સ સુધી પેઇન્ટિંગ પહોંચ્યા છે.
ભારત સરકાર પ્રેરિત ભારત જન વિજ્ઞાન જાથા ચિલ્ડ્રન કોમ્યુનિટી, સાયન્સ સેન્ટર તથા બાલ વિકાસ મંડળ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ‘વિદ્યારત્ન એવોર્ડ’ મળેલ છે.
વ્હીલચેર ઇન્ડિયા-2015 ટોપ-7 ફાઇનાલિસ્ટમાં સિલેક્શન થયું તેમજ જામનગરમાં નેક્સ્ટ હોટ મોડેલથ ફેશન શોમાં સ્પેશિયલ ગેસ્ટ એન્ટ્રી મેળવી છે.
4 તેઓએ ચક્ર ફેંક, ભાલા ફેંકમાં પણ એવોર્ડ મેળવ્યા છે.