કારખાનાનું વીજકનેક્શન 50 ટકા રકમ ભર્યેથી પુન:સ્થાપિત કરવા હાઇકોર્ટનો હુકમ
ગોંડલ- રાજકોટ હાઇવે ઉપર ભોજપરા મુકામે કારખાનાના અગાઉના ભાડૂઆતના એક કરોડથી વધુ રકમના વીજબિલ મામલે હાલના આદિત્ય ઈન્વેકાસ્ટ પ્રા.લી. કારખાનાને નોટીસ આપી વીજ કનેકશન કાપી નાખવા બાબતે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન દાખલ કરાતા હાઈકોર્ટે 50 % રકમ ભર્યેથી વીજ કનેકશન પુન: સ્થાપીત કરતો હુકમ ફરમાવ્યો છે.
આ અંગેની હકીકત મુજબ, ગોંડલ - રાજકોટ હાઈવે પર ભોજપરા મુકામે હાલની આદિત્ય ઈન્વેકાસ્ટ પ્રા.લી.ને વીજ કંપની દ્વારા એક કરોડથી પણ વધારે રકમનુ વીજ બિલ ઈશ્યુ કરી આપતા આદિત્ય ઈન્વેકાસ્ટ પ્રા.લી. દ્વારા વીજ કંપનીના ઉપરી અધીકારી સહીતનાઓને રજુઆત કરેલ કે આ વીજ બિલ અગાઉના આ જગ્યાના ભાડુઆત દ્વારા વપરાશ કરવામાં આવેલ છે, આદિત્ય ઇન્વેકાસ્ટને આ વીજ બિલ સાથે કઈ લાગતું વળગતું નથી, તેવી રજુઆતો કરવા છતા વીજ કંપની દ્વારા રાજકોટની કોર્ટમાં કાર્યવાહીઓ શરૂૂ કરાતા, આદિત્ય ઈન્વેકાસ્ટ પ્રા.લી. દ્વારા ન ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલ જે પિટિશન ચાલુ હોય તે દરમિયાન વીજ કંપની દ્વારા આદિત્ય ઈન્વેકાસ્ટ પ્રા.લી.નું વીજ કનેકશન કાપી નાખવામા આવતા અરજદારના એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વીજ કનેકશન વચગાળાના સમય પુરતું ચાલુ કરી આપવાની દાદ માગતી અરજી દાખલ કરી હતી. દલીલ કરેલ કે જગ્યાના જુના માલીકના ભાડુઆતના વીજ મીટરમાં થયેલ ગેરરીતી માટે નવા માલીક જવાબદાર નથી, તેમજ વીજ કંપનીએ વીજ સપ્લાય કોડના નિયમો પ્રમાણે કાર્યવાહી કરેલ નથી, મતલબની દલીલો કરવામાં આવી હતી. જે રજૂઆતો ધ્યાને લઇ હાઇકોર્ટની વેકેશન બેન્ચ દ્વારા હાલના કેસને બાધ ન આવે તેવી રીતે 50% રકમ ભર્યેથી વીજ કનેકશન પુન:સ્થાપિત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં અરજદાર વતી હાઈકોર્ટમાં અપુર્વ જાની તથા રાજકોટમાં યુવા એડવોકેટ રીપલ ગેવરીયા, વિવેક ભંડેરી, કિશન બાલધા, કિશન માંડલીયા, હાર્દીક વાગડીયા, વિવેક લીંબાસીયા રોકાયા હતા.
