ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સંગીતના સથવારે જીત્યા જિંદગીનો જંગ

11:01 AM Jul 16, 2025 IST | Bhumika
Advertisement

ડાકોરના કથાકાર તરીકે જાણીતા ગાયત્રીબેન શાસ્ત્રી હિન્દી, ગુજરાતી, પંજાબી, મારવાડી, સિંધી, ભોજપુરી, મૈથીલી ભાષામાં ભજનો ગાય છે તેમજ શિવકથા, રામકથા, દેવી ભાગવત, સુંદરકાંડ વગેરે કરે છે

Advertisement

પતિની વિદાય,નાના બાળકો,ડામાડોળ આર્થિક પરિસ્થિતિ, સગા-સંબંધીઓનો નિરાશાજનક વ્યવહાર વચ્ચે પણ અડીખમ રહ્યા ગાયત્રીબેન શાસ્ત્રી

"ભગવાને સંગીત આપ્યું અને અમે જીવી ગયા. જીવનમાં અણધાર્યો એવો સંઘર્ષ આવ્યો કે ચારે તરફ વમળો જ હતા,માર્ગ કાંટાથી ભરેલો હતો.એક એક ડગલું થાક અને હતાશા લઈને આવતું હતું.ભાઈ-ભાંડું, સગા-સંબંધીઓ,મિત્રો, પાડોશીઓએ મોં ફેરવી લીધું હતું.ખાવા પીવાના તો ઠીક પણ ઝેર પીવાના પણ પૈસા નહોતા.અનેક વખત જીવન ટૂંકાવવાનું વિચાર્યું પણ સફળતા ન મળી.હજુ શ્વાસ લેવાના બાકી હતા,કૃષ્ણનું નામ લેવાનું બાકી હતું,હજુ કર્મના લેણદેણ ચૂકવવાના હતા અને એટલે જ અમે જીવ્યા, લડ્યા,અને જીત્યાં”. આ શબ્દો છે હાલ ચલથાણમાં રહેતા ડાકોરના કથાકાર તરીકે જાણીતા ગાયત્રીબેન શાસ્ત્રીના.તેઓ હિન્દી, ગુજરાતી,પંજાબી, મારવાડી,સિંધી, ભોજપુરી અને મૈથીલી ભાષામાં ભજનો ગાય છે તેમજ શિવકથા, રામકથા, દેવી ભાગવત, સુંદરકાંડ વગેરે કરે છે.

તેમનો અભ્યાસ અને બાળપણ રણછોડરાયજીના સાંનિધ્યમાં ડાકોરમાં વિત્યું. પિતાજી પીઆઈ અને માતા ગૃહિણી હતા.છ બહેનો અને એક ભાઈના પરિવારમાં માતાનો ભક્તિભાવવાળો સ્વભાવ અને સંગીતનો વારસો ગાયત્રીબેનને મળ્યો. નાનપણથી જ શાળા-કોલેજમાં ગરબા,વક્તૃત્વ સ્પર્ધા, દેશભક્તિ ગીત તેમજ સ્પોર્ટ્સમાં અગ્રેસર રહેતા. સંગીત અને ભજનોના કાર્યક્રમો દરમિયાન કથાકાર રમેશભાઇ શાસ્ત્રી સાથે પરિચય થયો અને સ્નેહ સંબંધ થતાં લગ્ન કર્યા. પતિ રમેશભાઈ શાસ્ત્રી અલગારી જીવ,સ્વભાવે સરળ અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર રહેતા.પતિના આ સ્વભાવના કારણે ભવિષ્યમાં પોતાને જ સહન કરવું પડશે એવી ગાયત્રીબેનને ખબર નહોતી. બંને પતિ-પત્ની કથા કરતા, ભજનો ગાતા અને જીવન નિર્વાહ કરતા.દીકરીના જન્મ સમયે રમેશભાઇના પરિવારે તેમની સાથે રહેવા બોલાવ્યા પણ જે દીકરાએ ઘર છોડ્યું તે પાછો રહેવા આવતા અન્ય ભાઈ-બહેનને મિલકત સંબંધી ચિંતા થઈ અને ઘરમાં વિવાદનું વાતાવરણ ઉભું થતાં ફરી ઘર છોડ્યું. આ સમય ઘણો કસોટીનો હતો 15 દિવસની પ્રજ્ઞાચક્ષુ દીકરી સાથે પહેર્યા કપડે ઘર છોડ્યું. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ અને તેને સ્થિર કરવા ફરી સંગીતનો સહારો લીધો.

સફળતાના સોનેરી દિવસોનો એ સમય એવો હતો કે નવરાત્રીમાં પતિ-પત્નીના કંઠે ગરબા સાંભળવા લોકોની મેદની એકઠી થતી. ભરૂૂચ જિલ્લાના મોટાભાગના ગામોમાં એક એક મહિના સુધી શિવકથા કરતા. કથા દરમિયાન ગાયત્રીબેન સંગીત સંભળાવતા. કાર્યક્રમની તારીખ લેવા માટે લોકો પડાપડી કરતા, પરંતુ પ્રસિદ્ધિમાંથી પડતી આવશે તેની ક્યાં ખબર હતી? કાળ કઠિન પરીક્ષા લેશે તેની ક્યાં જાણ હતી? 2009 ની સાલમાં પતિ બજારમાં ગયા, ત્યાં જ એટેક આવ્યો અને અવસાન થયું.પળે પળ અને ક્ષણે ક્ષણ મિત્ર સરીખા ભાવથી પતિ સાથે રહેતા ગાયત્રીબેન શાસ્ત્રી પડી ભાંગ્યા.શાક લેવા જવાનું હોય કે બજારમાં જવાનું હોય,કયું ગીત ગાવું કે કયા સૂરથી ગાવું તે પતિ જ નક્કી કરતા પણ એ નથી ત્યારે હવે શું કરવું? બાળકો નાના હતા,જવાબદારી મોટી હતી.અધૂરામાં પૂરું પતિના અવસાન બાદ ચોથા દિવસે ખબર પડી કે તેઓએ કોઈને મદદ કરવા કે અન્ય કારણસર ઘર,જમીન ગીરવે મુક્યા હતા.

બેંકમાં રહેલા ઘરેણાં,રોકડ બધું જ જતું રહ્યું.રડી રડીને માથા પછાડયા, ડિપ્રેશન આવી ગયું,હતાશામાં સરી પડ્યા, એકલા બહાર નીકળતા ડર લાગે, બહાર નીકળે ત્યારે પરસેવો થાય ગભરામણ થાય. બાળકો આંગણામાં પિતાની રાહ જોઈ બેસી રહે, બાઈકનો અવાજ આવે અને દોડી જતા આ રીતે ડિપ્રેશનમાં ઘણો લાંબો સમય કાઢ્યો. ગાઢ અંધકારમાં જેમ ક્યાંક દીવાનો પ્રકાશ ઝબુકે એમ દીકરી માનસી આ અંધકારમાં પ્રકાશનું કિરણ બની તેણે માતાને હિંમત આપી, સાચવી,સંભાળી. ધીમે ધીમે ફરી સૂરોના સાથ વડે સંગીતની યાત્રા દ્વારા જીવનનો બીજો અધ્યાય શરૂૂ કર્યો.

ગાયત્રીબેન જણાવે છે કે અહીં પણ લોકો માર્ગના પત્થરો બન્યાં, મુશ્કેલીઓ આવી,બે સંતાનો સાથે એકલી માતાને જોઈને લોકો દરેક પ્રકારે હેરાન કરતા.પરિવાર, ભાઈ-ભાંડું દરેકે સાથ આપવાના બદલે પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો.મુસીબતના સમયમાં જાકારો આપ્યો.ઓછા ભાવે મકાન ખરીદવા પડોશીઓએ પણ હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. બંને બાળકોને લઈને કાર્યક્રમમાંથી પાછી ફરું ત્યારે ક્યારેક તાળામાં ચ્યુઈગમ ભરાવી દે તો ક્યારેક લાઈટનો ફ્યુઝ તોડી નાખે. ઘર પર પથ્થરો ફેેંકે તો ક્યારેક ભૂત રડતું હોય તેવા અવાજ કરે અને ક્યારેક દરવાજો ખખડાવીને જતા રહે. પતિના મિત્રો હોય પાડોશી હોય, કે સગા સંબંધી બધાએ મદદ કરવાના બદલે રસ્તામાં કાંટા બિછાવ્યા છે.

દીકરીના લગ્ન પ્રસંગને પણ એકલા હાથે ઉકેલ્યો છે. દરેક સમયે હિંમત રાખી અને આગળ વધી છું. મારો એક સહારો કૃષ્ણનો અને બીજો સહારો દીકરીનો છે. ભગવાન દેખાતો નથી પરંતુ તેનો અહેસાસ જરૂૂર કરી શકાય છે. આજે દીકરો સરસ તબલા-ઢોલક વગાડે છે, દીકરી સુંદર ગાય છે. દીકરીના સારા ઘરમાં લગ્ન કર્યા છે જમાઈ પણ દીકરાની જેમ રહે છે. જીવન ફરી પાટે ચડ્યું છે ત્યારે કોઈ પ્રત્યે કંઈ જ ફરિયાદ નથી. હું સત્સંગી જીવ છું અને આ જ રીતે ભગવાનની ભક્તિ કરતી રહું એવી ઈચ્છા છે.ગાયત્રીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ફરિયાદ ન કરો
ગાયત્રીબેને મહિલાઓને સંદેશ આપતા જણાવ્યું કે તમારી જાતને એવી બનાવો કે કોઈના બોલવાથી કંઈ અસર ન થાય.ઘણી વાર અન્યએ બોલેલ શબ્દોના કારણે ડિપ્રેશન, ગુસ્સો આવે છે અને ક્યારેક આત્મહત્યા સુધી પહોંચી જઈએ છીએ. દરેક મહિલામાં ભગવાને એક એવી વસ્તુ મૂકી છે જેના કારણે તે સંસાર સાગર તરી જાય છે સંઘર્ષ આવે છે પરંતુ તેનો સામનો કરશો તો ધીમે ધીમે અનુકૂળ વાતાવરણ બનશે ફરિયાદ ન કરો.સમસ્યાનો ઉકેલ તમારે જ લાવવાનો છે.

Written By: Bhavna Doshi

Tags :
gujaratgujarat newsUDAN
Advertisement
Next Article
Advertisement