182 બેઠકો નહીં જીતવાનો અફસોસ કાયમ રહેશે: પાટીલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે છેલ્લા ભાષણમાં કાર્યકરોની માફી માંગી, 2027માં 182 બેઠકો જીતવાનો કર્યો સંકલ્પ
જે નિર્ણયો કર્યા તે પાર્ટી માટે અને પાર્ટીના હિતમાં કર્યા, કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો
ગુજરાત ભાજપના નવા પ્રમુખ જગદીશ પંચાલનો પદગ્રહણ સમારોહ કમલમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગેે સીઆર પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાનું અંતિમ સંબોધન કર્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે તેમના કાર્યકાળની સફળતાઓ અને પડકારો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સવા પાંચ વર્ષ પહેલાં તેમને પ્રદેશ ભાજપની જે જવાબદારી સોંપવામાં આવી હતી, તે તમામ કાર્યકરોના સાથ-સહકારથી તેમણે સફળતાપૂર્વક નિભાવી.
સમારોહમાં પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાવુક અને પ્રેરક સંબોધન કર્યું હતું. પાટીલે જણાવ્યું કે સવા પાંચ વર્ષ પહેલાં તેમને જે જવાબદારી મળી હતી, તે નિભાવવા માટે તેમણે સક્ષમ બનવાનો પ્રયાસ કર્યો અને સૌના પીઠબળથી નિષ્ઠાપૂર્વક નિભાવી. તેમણે જાહેર કર્યું કે હવે તેઓ એક કાર્યકર્તા તરીકે જગદીશ પંચાલના નેતૃત્વ હેઠળ કામ કરશે. પાટીલે ભારપૂર્વક કહ્યું કે ‘અશ્વમેઘના યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી’ અને ગુજરાતનું વિકાસ મોડલ જ જીતનું મોડલ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયો પાર્ટીના હિતમાં હતા અને કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગી હતી.
સી.આર. પાટીલે પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓને હવે જીતવાની ટેવ પડી ગઈ છે. તેમણે યાદ કર્યું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક હતું, જોકે 156 બેઠકો જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો. આ ઉપરાંત, લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી 25 બેઠકો જીતી અને 1 કરોડ કરતાં વધુની લીડ સાથે ઉમેદવારો ચૂંટાયા હતા.
તેમણે પેજ કમિટી અને સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ પ્રથાના સફળ અમલનો ઉલ્લેખ કર્યો. જોકે, તેમણે એક મોટો અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે ‘જો 10 લાખ મતો વધુ આવ્યા હોત તો 182નો સંકલ્પ પૂર્ણ થયો હતો’ અને લોકસભાની એક બેઠકમાં થયેલી હારની જવાબદારી તેમણે પોતાના માથે લીધી હતી, અને કાર્યકર્તાઓને અનુરોધ કર્યો કે હવે આ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે દિલ્હીથી આવેલી વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘દિલ્હીની પાર્ટી’ માત્ર વાતો જ કરી રહી છે અને ભાજપના કાર્યકર્તાઓએ તેમને ચૂંટણીમાં યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે નોંધ્યું કે ચૂંટણીઓમાં યુવા અને નવા ઉમેદવારોને તક મળી, જેનાથી પાર્ટીને ફાયદો થયો. પોતાના વક્તવ્યના અંતે, પાટીલે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના નેતૃત્વમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠકો જીતવાનો મહાસંકલ્પ વ્યક્ત કર્યો હતો.