પત્ની ગણેશ ચોથ કરવા માવતરે ગઇ ને પતિએ આપઘાત કરી લીધો
શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક આવેલા માંડા ડુંગરમાં ભીમરાવનગરમાં રહેતા યુવાને પત્ની ગણેશ ચોથ કરવા માવતરે ગયા બાદ પાછળથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્ની માવતરેથી પરત આવી ત્યારે પતિને લટકતો જોઇ હતપ્રભ બની ગઇ હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ભીમરાવનગરમાં રહેતા મહેશ વાઘજીભાઇ ધોળકીયા (ઉ.વ.30)નામના યુવાને પોતાના ઘરે લોખંડના પાઇપમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેની પત્ની કાજલબેન ગણેશ ચોથ કરવા માવતરે ગઇ હતી. જયાથી આજે સવારે પરત ઘરે આવતા દરવાજો અંદરથી બંધ હોય ખટખાટવા છતા દરવાજો ન ખોલતા પાડોશીએ દીવાલ ટપી અંદરથી દરવાજો ખોલ્યા બાદ ઘરમાં જતા પતિ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
આ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ ત્રણ બહેનમાં નાનો અને કડીયા કામ કરતો હતો. તેને સંતાનમાં આઠ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યુ: છે. જો કે, તેણે આ પગલુ શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી આઠ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ધેરો શોક છવાઇ જવા પામ્યો છે.