આંબેડકરનગરમાં ધો.11ની છાત્રા પાસેથી ઇન્સ્ટા. મિત્રએ અકસ્માતના બહાને રૂા.1.10 લાખ પડાવ્યા
નાનામવા આંબેડકરનગરમાં રહેતા વજાભાઇ (ઉ.45)ની દીકરીનો ઇન્સ્ટાગ્રામ મિત્ર રોહિત ઉર્ફે આશિષ ઉર્ફે લાલો પ્રવીણભાઈ ચાવડાએ પોતાનો અકસ્માત થયાનું કહી વજાભાઈની દીકરી પાસેથી અલગ અલગ સમયે 1.10 લાખ રૂૂપિયા મેળવી લઇ અને બાદમાં પરત નહીં આપી વિશ્વાસઘાત કરતા અંતે તાલુકા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
વજાભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારી દીકરી કાલાવાડ રોડ ખાતે ધોરણ-11 મા અભ્યાસ કરે છે.જે મારી દીકરી આજથી બે વર્ષ અગાઉ આ રોહીત ઉર્ફે આશીષ ઉર્ફે લાલો પ્રવિણભાઇ ચાવડા સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરીચયમાં આવી હતી. અને બન્ને વચ્ચે મિત્રતા હતી અને તેઓ બન્ને ફોનમાં એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા જે વાતની જે-તે સમયે અમોને જાણ ન હતી અને આ વાતની જાણ અમોને થતા અમોએ અમારી દીકરી પાસેથી મોબાઇલ લઇ લીધો હતો.
બાદમાં મારી દીકરી એ અમોને જણાવેલ કે આ રોહીત ઉર્ફે આશીષ ઉર્ફે લાલો પ્રવિણભાઇ ચાવડા એ મારી દીકરીને પોતાનું એક્સીડન્ટ થયું હોય જેથી પોતાને પૈસાની જરુર છે અને પોતે સાજો થઇ જાય એટલે પૈસા પાછા આપી દઈશ તેમ જણાવી મારી દીકરીને વિશ્વાસમાં લઇ જેથી દીકરીએ આ રોહીત ચાવડાના વિશ્વાસમાં આવી જઇ અમારા ઘરેથી રોકડા રૂૂપિયા લઈ કટકે કટકે ફેબ્રુઆરી-2024 થી જુલાઇ-2024 ના સમયગાળા દરમ્યાન કુલ રૂૂ. 1,10,000/- આ રોહીત ને તેના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ હતા અને બાદમાં અમોએ આ રોહીત પાસે ફોન કરી આ મારી દીકરીએ તેને આપેલ અમારી રકમ પરત માંગતા પોતે અવાર નવાર વાયદાઓ કરી જુદી જુદી તારીખો આપી બહાના બતાવતો હોય અંતે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.