ભાવનગરના પિંગળી ગામે પતિના હાથે પત્નીની હત્યા
પરપ્રાંતિય મજુરે સંતાનોની હાજરીમાં જ પથ્થર વડે માથું છુંદી નાંખ્યું: કારણ અકબંધ
ભાવનગર જિલ્લાના તળાજાના પિંગળી ગામના પતિ પત્નીની બેવડી હત્યાનો ખૂની ખેલ ખેલાયા બાદ આજે ઉંચા કોટડા ગામના ખેત મજુરએ બપોર બાદ વાડીએ પત્નીને મોટા પથ્થરના ઘા માથાના ભાગે ઝીકીને હત્યા કર્યાની ઘટનાને લઈ ચકચાર ફેલાઈ છે.
સાંજના સમયે બનાવ સામે આવતા તળાજા પોલીસે તપાસ હાથધરી છે.ખૂનના આ બનાવ અંગેની મળતી વિગતો મુજબ પિંગળી ગામના મનુભાઈ બાલાભાઈ રાઠોડની વાડી નાની માંડવાળીના રસ્તાપર આવેલ છે.આ વાડીમા ખેત મજુર ભાગીયા તરીકે ઉંચા કોટડા ગામના શિવાભાઈ છનાભાઈ વાસીયા ને બે માસ પહેલાજ અહીં લાવવામાં આવેલ.જેને લઈ શિવાભાઈ પત્ની અસ્મિતાબેન અને પાંચ અને ત્રણ વર્ષની ઉંમરના બે સંતાનોને લઈ અહીં વાડીએ રહેવા આવી ગયેલ.
કુલ ત્રણ સંતાનો છે. જેમાં એક ઉંચા કોટડા ખાતે રહે છે.બપોરે કોઈ કારણોસર શિવા વાસીયા અને તેની પત્ની અસ્મિતા વચ્ચે થયેલ તકરાર ને લઈ શિવાભાઈ એ બે માસૂમ સંતાનોની હાજરી વચ્ચે જ પત્ની અસ્મિતાને વાડીની ખુલ્લી જગ્યામાંજ માથાના ભાગે મોટા પથ્થરના ઘા માથાના ભાગે ઝીંકી દઈ હત્યા નિપજાવી ફરાર થઇ ગયેલ.
બનાવની જાણ મોડીસાંજે પોલીસને થઈ હતી.પો.સ.ઇ મકવાણાએ જણાવ્યું હતુ કે પિંગળી ગામે હત્યા થઈ હોવાની વિગતો મળતા સ્થળપર પહોંચી તપાસ હાથ ધરીશું.
પતિ ઝડપાયા બાદ હત્યા પોતે એકલાએજ કરી છેકે તે સમયે કોઈ હાજર હતુંકે કેમ?હત્યા કરવાનું કારણ સહિતનો ભેદ ઉકેલવામાં આવશે.વાડી માલિક એ જણાવ્યું હતુ કે હત્યા કર્યા બાદ પતિ શિવાભાઈ ફરાર થઇ જતા બંને માસૂમ બાળકોને પિંગળી પોતાના ઘરે લાવેલ છે.જેમાં એકની ઉંમર પાંચ અને બીજા ની ઉંમર ત્રણેક વર્ષ છે.
આ બનાવથી ઉંચા કોટડા ગામની સીમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ મકવાણાએ હાથ ધરી છે.