કેન્સરની બીમારીથી પત્નીનું અવસાન અને દેણું થઇ જતા પતિનો આપઘાતનો પ્રયાસ
વિશ્ર્વનગર કવાર્ટરમાં રહેતા યુવાને એસીડ પી લેતા સારવારમાં ખસેડાયો
શહેરના મવડી વિસ્તારમાં આવેલા વિશ્ર્વનગર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્ટિપલમાં ખસેડાયો છે. પત્નીનું કેન્સરની બિમારીથી અવસાન થતા અને દેણુ થઇ જતા આ પગલુ ભરી લીધુ હતુ. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડીમાં ખીજડાવાળા રોડ પર આવેલા વિશ્ર્વનગર આવાસ યોજના કવાર્ટર બી.27માં રહેતા અમિત મનુભાઇ ભટ્ટી (ઉ.વ.39)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલિસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં અમિતભાઇ એક ભાઇ એક બહેનમાં નાનો અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્રી છે.તેની પત્ની સોનલબેનને કેન્સરની બીમારી હોવાથી તેને સારવાર માટે ઉભીના પૈસા લેતા રૂા.5 લાખનું દેણુ થઇ ગયુ હતુ. બે દિવસ પહેલા પત્ની સોનલબેનનું કેન્સરની બીમારીથી અવસાન થતા પત્નીના વિયોગ અને દેણાના ટેન્શનમાં તેમણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.