ચુનારાવાડમાં પતિને વીડિયોકોલ કરી પત્નીનો ફાંસો ખાઈ આપઘાત
પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી : કારણ અકબંધ
શહેરના ચુનારાવાડ વિસ્તારમાં રહેતી મહિલાએ કામે ગયેલા પતિને વિડિયો કોલ કરી બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
ચુનારાવાડ વિસ્તારમાં રાજમોતી મીલ પાસે રહેતા કુંદનબેન કિશોરભાઈ ફતેપરા (ઉ.39) નામના મહિલાએ આજે સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક કુંદનબેનના લગ્ન 22 વર્ષ પહેલા થયા હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
તેનો પતિ ઈમિટેશનના કારખાનામાં કામ કરતો હોય સવારે પતિ કારખાને ગયા બાદ કુંદનબેને પતિને વિડિયો કોલ કરી આપઘાત કરતાં હોવાનું જણાવતાં પતિએ તેના મિત્રને તાત્કાલીક ઘરે પહોંચવાનું કહી તેઓ પણ ઘરે આવવા નીકળ્યા હતાં. જો કે તેઓ પહોંચે તે પહેલા જ પત્નીએ આપઘાત કરી લીધો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.