છૂટાછેડા બાદ પત્નીએ આપઘાત કરી લેતા વિયોગમાં પતિનો તાવના ટીક્ડા ખાઇ આપઘાત
ચોટીલામાં રહેતા સાડીના ધંધાર્થી યુવાને છૂટાછેડા બાદ પત્નીએ આપઘાત કરી લીધાના વિયોગમાં તાવના વધુ પડતા ટિક્ડા ખાઇ જીવન ટૂકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
ચોટીલામાં આવેલી હરીધામ સોસાયટીમા રહેતા અનીકેત રવિરામ ગોંડલીયા (ઉ.વ.23)નામના યુવાને ગત તા.26ના તાવની પેરાસીટામોલની 30-40 ટિકડીઓ ખાઇ લેતા તેને સારવાર માટે ચોટીલા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેનુ સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક અનીકેત બે ભાઇમા મોટો અને ચોટીલામાં રાધીકા સાડી સેન્ટર નામે દુકાન ચલાવે છે. તેના પિતા સાયલાના ગુંદેવળા ગામે શિક્ષક છે. તેની પત્ની અજંલી સાથે છૂટાછેડા થઇ ગયા બાદ અજંલીએ ગત તા.26-1-25ના ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો. જેના વિયોગમાં અનીકેતે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.