પતિ કૌટુંબિક સાળીને ભગાડી જતા રિસામણે આવેલી પત્નીનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના ચીતલમાં રહેતી અને હાલ મોરબી રોડ પર માવતેર રિસામણે આવેલી પરિણીતાએ લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિએ માર મારી એક મહિનાથી ઘરેથી કાઢી મૂકી હતી અને બે દિવસ પહેલા પતિ કૌટૂંબીક સાળીને ભગાડી ગયો હોય જેના કારણે આ પગલુ ભરી લીધુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ હાલ મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં માવતરે રહેતી કંચનબેન આશિષભાઇ જેઠવા (ઉ.વ.27)નામની પરિણીતાએ આજે સવારે બ્લીચીંગનું લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેના લગ્ન 11 વર્ષ પહેલા હતા તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેનો પતિ અવાર નવાર શંકા કરી માર મારતો હોય એક મહિના પહેલા તેને માર મારી કાઢી મૂકતા તેણી માવતરે રહેતી હતી. પરિણીતાના પિતા બાબુભાઇ લઢેરના જણાવ્યા મુજબ આશીષ જેઠવા તેના ફઇના દીકરાની દીકરીને એટલે કે, કોટૂંબીક સાળીને બે દિવસ પહેલા ભાગાડી ગયો હોય જેના કારણે કંચને આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.