પતિના નિધન બાદ એક કલાકમાં પત્નીએ પણ દેહ છોડ્યો
સાબરકાંઠાના ઈડરમાં બનેલી એક ઘટના દરેક દંપતી માટે એક ઉદાહરણરૂૂપ ઘટના છે. આજકાલ નાની નાની વાતો પર ડિવોર્સ લઈ લેતા કપલ આ હૃદયસ્પર્શી ઘટના જરૂૂર વાંચે. સાથે જીવશું સાથે મરશું એવા કોલ આપ્યા હોય એમ પતિ પત્ની બંનેના મોત થયા હતા.
ઈડર તાલુકાના કાનપુરમાં રહેતા મણીભાઈ નાથાભાઈ (મણીદાદા) નો ભર્યો ભર્યો પરિવાર છે. તેમનું કુટુંબ 65 થી 70 સભ્યોનું સંયુક્ત કુટુંબ છે. દાદાના પરિવારમાં બે ભાઈ અને ત્રણ બહેનો હતા, જ્યારે તેમના સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.મણીદાદાએ આજીવન ખેતી કરી. સંપૂર્ણ સ્વસ્થ મણીદાદાનું તાજેતરમાં નિધન થયું. એક તરફ પરિવાર મોભીના નિધનથી શોકમાં ગરકાવ હતો, ત્યાં મણીદાદાના પત્ની શાંતાબેનની તબિયત લથડી હતી.
શાંતાબા પતિના નિધનથી ગમગીન બની ગયા હતા. દાદાના અંતિમ વિધિ માટે તેમણે પોતાના હાથેથી દાદાના નવા કપડાં કાઢી આપ્યા તથા પોતાનાં કપડાં પણ તૈયાર રાખ્યા. પરંતુ આઘાત સહન ન થવાથી લગભગ એક કલાક બાદ દાદીએ પણ જીવ છોડ્યો હતો. આમ, બે મોભીઓના એકસાથે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેથી પરિવારજનોએ બંનેની એકસાથે અંતિમ યાત્રા કાઢી હતી. બંનેને એકસાથે ચિતા પર અગ્નિદાહ આપીને પરિવારે ભીની આંખોએ વિદાય આપી હતી.