લાઇટ જ કેમ ગઇ? વીજધાંધિયાથી ત્રસ્ત લોકોનું PGVCL કચેરીમાં હલ્લાબોલ
એક સમાટી ફરિયાદોથી અધિકારીનો ફોન વ્યસ્ત આવતા વાવડી કચેરીએ જઇને ધમાલ
રાજકોટ શહેરના વાવડી સબ ડિવિઝનમાં વીજ ધાંધિયાથી સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. સોમવારે મોડી રાત્રે લાઇટ જવાથી ત્રાસેલા રહીશો પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા હતા અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વરસાદનું ઝાપટું આવે તો પણ કલાકો સુધી લાઈટ ગુલ થઇ જાય છે. કોઇ એન્જીનિયર ફોન ઉપાડતા નથી.
જેને લઇ સોમવારે મોડી રાત્રે સ્થાનિક લોકો પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી. બીજી બાજુ કોઈ પણ અધિકારી સ્થાનિક લોકોનો ફોન પણ ન ઉપાડતા હોવાના કારણે લોકો ગુસ્સે ભરાયા હતા. જોકે એક સાથે 20-30 લોકો ફોન કરતા હોય બધાનો વેઇટીંગમાં આવતો હતો અને કુલ 125 જેટલા કોલ કરાયાનું ડેપ્યુટી ઇજનેરે જણાવ્યું હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગમે ત્યારે બે-બે લાઈટ જતી રહે છે અને કોઈ પણ અધિકારીઓ જવાબ આપતા નથી. જેને લઇ સોમવારે મોડી રાત્રે તેઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અધિકારીઓનો ફોન પણ સતત વ્યસ્ત આવ્યો વ્યસ્ત આવી રહ્યો છે. જેમના કારણે પણ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે રહ્યો છે.
ચાલુ લાઇને ફોકટ રીપરિંગ કરવા લોકોનું દબાણ: ડેપ્યુટી ઇજનેર
આ સમગ્ર ઘટનાને લઇને વાવડી સબ ડીવીઝનના ડેપ્યુટી ઇજનેર શીયારાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઔદ્યોગીક ઉપરાંત રહેણાંક એપાર્ટમેન્ટ આવેલા છે. મોટા ભાગના વિસ્તાર કે જેમાં 4000 જેટલા કનેકશન છે. તેને અલગથી સબ સ્ટેશન ઉભું કરીને તેમાં જોડી દેવામાં આવ્યા છે. વિસ્તારમાં નવા બની રહેલા એપોર્ટમેન્ટમાં કનેકશન આપવા ટીસી ઉભુ કરવાનું હોય કે કોઇ ફોલ્ટ હોય ત્યારે રીપેરીંગ માટે માનવ જીંદગી જોખમાય નહીં માટે પણ લાઇટ બંધ કરવામાં આવે તો લોકો કચેરીએ આવી પહોંચે છે અમે ચાલુ લાઇને જ ફોલ્ટ રીપેર કરવા દબાણ કરે છે.