કોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલ નંબર અને વિભાગીય સહિતની માહિતી સાથે દર વર્ષે ડાયરીઓ છપાવવામાં આવે છે પરંતુ આ વખતે સુરાતન ચડ્યું હોય તેમ લીમીટેડ કંપનીઓની માફક પ્રસિદ્ધી કરવી હોય તેવા હેતુથી રૂા. 1.79 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાવવાનો ઓર્ડર આપ્યો છે જેની સામે દર વર્ષે અપાતી ડાયરીના જાન્યુઆરી માસ પૂર્ણ થવા આવ્યો છે છતાં કંઈ ઠેકાણા નથી અને પોણા બે કરોડના કેલેન્ડરના ખર્ચાએ લોકોમાં પણ ભારે ચર્ચા જગાવી છે.
મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી દર વર્ષે કોર્પોરેશનની તમામ વિગતો ઉપલબ્ધ હોય તે પ્રકારની ડાયરીઓ છપાવી લોકોને આપવામાં આવે છે. દર વર્ષે ફોટાવાળી મોટી ડાયરી તેમજ પોકેટ ડાયરી છપાવા પાછળ લાખો રૂપિયાનું આંધણ થાય છે. તેનો હેતુ આજ સુધી શું છે તે કોઈને સમજાયો નથી. છતાં દર વર્ષે ડાયરી છપાવવામાં આવી રહી છે. એપ્રિલ માસ બાદ ડાયરી છપાઈને લોકો સુધી પહોંચે છે પરંતુ આ વખતે પદાધિકારીઓ દ્વારા વર્ષના પ્રારંભે જ ડાયરી છપાઈ જાય તે પ્રકારનું આયોજન કર્યુ છે. છતાં જાન્યુઆરી પુર્ણ થવામાં છે અને ડાયરીના ઠેકાણા ન હોવાનું જાણવા મળ્યું છે. જેની સામે આ વર્ષે કેલેન્ડર છપાવવાનો વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે.
દેખીતી રીતે જાન્યુઆરી માસથી અલગ અલગ સંસ્થાઓ તેમજ કંપનીઓ દ્વારા પોતાની જાહેરાતો તેમજ અન્ય જાહેરાતોની પ્રસિદ્ધી માટે કેલેન્ડરો છાપી વિનામુલ્યે લોકો સુધી પહોંચાડવામાં આવતા હોય છે. પરંતુ કોર્પોરેશનને પ્રસિદ્ધિની ભુખ ઉઘડી હોય તેમ બે છેડા ભેગા નથી થતાં છતાં કરોડોના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાવવાનો ઓર્ડ આપી દીધો છે. જાણવા મળેલ વિગત મુજબ મહાનગરપાલિકાએ એક કેલેન્ડરના 112 રૂપિયા લેેખે હજારોની સંખ્યામાં કેલેન્ડરો છપાવવા દીધા છે. જેનો કુલ ખર્ચ રૂા. 1.79 કરોડ હોવાનું જાણવા મળેલ છે. આથી પ્રજાના વેરાના પૈસાનો કેલેન્ડર પાછળ વેડફાટ કરવામાં આવી રહ્યો હોવાનો ગણગણાટ પણ લોકોમાંથી સાંભળવા મળી રહ્યો છે.