પેટ્રોલ પુરાવવા જતાં બાઈકચાલક યુવાનને ટ્રેલરની ઠોકરે કાળ ભેંટયો
વેલનાથપરામાં રહેતા પિતા-પુત્ર નાગલપર મેળામાં જતાં હતાં ત્યારે પિતા ફાકી ખાવા માટે ઊભા રહ્યા ને પુત્ર પેટ્રોલ પુરાવવા જતાં અકસ્માત નડયો
શહેરના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા પિતા-પુત્ર નાગલપર ગામે મેળામાં જતાં હતાં દરમિયાન બેડી ગામ પાસે પિતા ફાકી ખાવા માટે ઉભા રહ્યા અને પુત્ર બાઈક લઈ પેટ્રોલ પુરાવવા જતો હતો ત્યારે ટ્રેઈલરની ઠોકરે ચડી જતાં ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. યુવાન પુત્રનાં મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે કુવાડવા પોલીસે ટ્રેઈલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં.3માં રહેતો ડેનીશ જગદીશભાઈ સારેલા (ઉ.19) નામનો યુવાન આજે સવારે તેના પિતા સાથે બાઈક લઈ નાગલપર ગામે મેળામાં જઈ રહ્યા હતાં દરમિયાન બેડી ગામ પાસે પિતાને ફાકી ખાવી હોવાથી તેઓ ઉભા રહ્યા હતાં અને પુત્ર ડેનીશ બાઈક લઈ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા જઈ રહ્યો હતો ત્યારે બેડી ગામમાં અર્થવ હોસ્પિટલ પાસે પહોંચ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતાં ટ્રેઈલરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ડેનીશ ફંગોળાઈને રોડ પર પટકાયો હતો જેમાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં હોસ્પિટલના બિછાને તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ડેનીશ બે ભાઈ બે બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું તથા કારખાનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પેટ્રોલ પુરાવવા જતી વેળાએ જ કાળ ભેટી જતાં યુવાન પુત્રનાં મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેઈલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.