For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આદિ-અનાદિથી જેનું ગંગાના પ્રવાહની જેમ વહન થઈ રહ્યું છે તેનું નામ સનાતન ધર્મ

04:15 PM Dec 25, 2023 IST | Sejal barot
આદિ અનાદિથી જેનું ગંગાના પ્રવાહની જેમ વહન થઈ રહ્યું છે તેનું નામ સનાતન ધર્મ

આર્ષ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા 26 વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર - વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમ અંતર્ગત દર્શન-ચિંતન વિષયક સનાતમ ધર્મની જ્યોત હૈયે જગાવીએ વિષય પર 104માં પ્રવચનનું આયોજન તા. 23ના રોજ સાંજે 04.30 થી 07.00 સમય દરમ્યાન અક્ષરધામ, હરિમંદિર, સભાગૃહ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે વક્તા તરીકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ અમદાવાદના અક્ષરવત્સલદાસ સ્વામી તેમજ આર્ષ શોધ સંસ્થાનના નિયામક પ્રો.ડો. શ્રુતિપ્રકાશદાસ સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રવચનમાં 1200 થી પણ વધુ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા
અક્ષરવત્સલદાસ સ્વામીએ સનાતન ધર્મની જ્યોત હૈયે જગાવીએ વિષયક વાત કરતાં સૌ પ્રથમ જણાવ્યું કે, આજે જ્યારે સનાતન ધર્મની વાત સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે સનાતન ધર્મ નામ કેવી રીતે પડ્યું ? તે વિશે વાત કરીએ, જેનો ક્યારેય અંત નથી. જેનો કોઇ સ્થાપક નથી કે તેનો કોઇ એક ઇષ્ટદેવ નથી, જેનો જન્મ નથી, મૃત્યુ નથી. તેની કોઈ તારીખ, તિથિ કે વર્ષ નથી. પરંતુ આદિ-અનાદિથી જેનું ગંગાના પ્રવાહની જેમ વહન થઇ રહ્યું છે તેનું નામ સનાતન ધર્મ. તેને વ્યાખ્યામાં બાંધવો અશક્ય છે. તેમ છતાં તેને જીવન જીવવાનો એક માર્ગ કહી શકાય. ઇ.સ. પૂર્વે ઘણા વિદેશી આક્રમણકારોએ આક્રમણ કરી તેમની પોતાની ધાર્મિક માન્યતાઓ સ્થાપવાના પ્રયત્નો કર્યા છતાં સનાતન ધર્મ જીવિત છે. ગ્રીક રોમ વગેરે ધર્મોની કોઈ પૂજા-પદ્ધતિ આજે અસ્તિત્વમાં નથી પરંતુ સનાતન ધર્મની પૂજા પદ્ધતિ હયાત છે. અવતારવાદ અને મૂર્તિપૂજા, કર્મવાદ અને પુનર્જન્મ, સંયમ અને બ્રહ્મચર્ય, આહાર-વિહાર શુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ તેના પાયાના અભિગમો છે એવો સનાતન ધર્મ જેનું આજનું પ્રચલિત નામ એટલે હિન્દુ ધર્મ. અનેક તત્ત્વચિંતનો, વિધિ-વિધાનો, માન્યતાઓ અને રીત-રીવાજો જેવા પાયાનાં તત્ત્વોનો વિશાળ મહાસાગર જેમાં સમાયેલો છે.
સમગ્ર વિશ્વના શાસ્ત્રોમાં જૂનામાં જૂના ઋગ્વેદ ગ્રંથમાં 10 હજાર વર્ષ પહેલાં શાંતિપાઠ થતો, મંત્રો બોલાતા હતા તે જ આજે પણ બોલાય છે. સનાતન ધર્મ વહેતી નદી છે. પ્રચંડ મહાનદી, તેમાં નિત નવું નવું જળ ઉમેરાયા કરે છે અને ગંગા પ્રવાહની જેમ વહ્યા કરે છે. સમયે સમયે તેનું નવીનીકરણ થતું રહે છે. પરિબળો ઉમેરાતા રહ્યા છે. અને તેને જન સમુદાયે અને વિદ્વાનોએ સ્વીકાર્યા છે.
સ્વામિનારાયણ ભગવાનને ઘણા સમાજસુધારક માને પણ, તેમનાં કાર્યો દ્વારા તે સમયમાં તેમને ભગવાન માનનારા હતા. તેનો સ્વીકાર કરનાર બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો મહાન વિદ્વાનો હતા. તેમણે રચેલા પદ-કીર્તનમાં પણ તેનું આલેખન કરેલું છે. તેમાં પ્રાપ્તિનો કેફ પણ જોવા મળે છે. ઘણા વિદેશી વિદ્વાનોએ તેમના પર પી.એચ.ડી. કરેલું છે અને આજે પણ કરી રહ્યા છે. નંદ સંતોના કાવ્યોનો મહાત્મા ગાંધીએ એમની આશ્રમ ભજનાવલીમાં સમાવેશ કર્યો છે. તે સમયે 3000 સંતો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માનતા હતા. તેમણે મંદિરો કર્યાં, તેમની હયાતીમાં તેમની મૂર્તિની સ્થાપના કરી. તેમણે સમાજ ઉપર કરેલા ઉપકાર-કાર્યો પરથી પણ ખ્યાલ આવે કે તે ભગવાન હતા. બેટી બચાવો, બેટી પઢાઓ આંદોલન આજે ચાલે છે પરંતુ તેની શરૂૂઆત ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા કરેલી. છેલ્લે અંતમાં તેમણે જણાવ્યું કે, આપણે ધન્ય ભાગ્ય છીએ કે સનાતન ધર્મી પરંપરામાં આપણે આવા સનાતન ધર્મી બન્યા છીએ અને સનાતન ધર્મની જ્યોત હૈય જગાવીએ છીએ. સનાતન ધર્મની જ્યોત જગાવતા રહીએ એ પ્રાર્થના સાથે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement