For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોમર્સિયલ કોમ્પ્લેક્સના બંધ પાર્કિંગ ક્યારે ખુલશે?

11:51 AM Aug 02, 2024 IST | admin
કોમર્સિયલ કોમ્પ્લેક્સના બંધ પાર્કિંગ ક્યારે ખુલશે

પંચવટી વિસ્તારમાં ડોમિનોઝવાળું બિલ્ડિંગ, યુનિયન બેંક તથા આઈડીબીઆઈ બેંક સહિતના કોમર્સિયલઠ કોમ્પ્લેક્સના પાર્કિંગ બંધ: વાહનોના ઢગલાં મુખ્ય માર્ગ પર: પાર્કિંગ તરફ જવાના રસ્તા બંધ કરી દીધાં છે

Advertisement

જામનગર શહેરના લગભગ તમામ વિસ્તારોમાં મોટાભાગના કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગનો ઉપયોગ વાહનોના પાર્કિંગ માટે થતો નથી. આ મામલે મનપાને કયારેય અચરજ પણ થતું નથી. બંધ પાર્કિંગને કારણે વાહનોના ખડકલા મુખ્ય માર્ગો પર થતાં હજારો નગરજનોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિઝાવાળા બિલ્ડીંગમાં લાંબા સમયથી પાર્કિંગ બંધ છે. અહીં સેંકડો નગરજનો વાહનો લઈને આવતાં હોય છે, ડોમિનોઝના પોતાના સંખ્યાબંધ બાઈક પણ અહીં મુખ્ય રોડ પર ખડકાયેલા પડ્યા હોય છે. અહીં પાર્કિંગમાં જવાના દરવાજા આડે તોતિંગ જનરેટર ખડકી દેવામાં આવ્યું છે. પાર્કિંગમાં મચ્છરોના ઉત્પાદન માટેનું પાણી ભરાયેલું જોવા મળે છે.

આ ઉપરાંત ડોમિનોઝ પિઝાના પાર્કિંગમાં તેના પોતાના સંખ્યાબંધ ભંગાર બાઈક સહિતનો ડૂચો પડેલો છે. એક નાગરિક દ્વારા આ પ્રકારના વિવિધ પાર્કિંગની તસવીરો અને ટૂંકી વિગતો જામનગર મિરરને મોકલવામાં આવી છે અને આ મુદ્દો સમાચારમાં ચમકાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પંચવટી વિસ્તારમાં જ આવું અન્ય એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે જેમાં યુનિયન બેન્ક કાર્યરત છે. આ કોમ્પ્લેક્સમાં તો પાર્કિંગનું શટર જ બંધ કરી દેવામાં આવ્યું છે જેને કારણે બેંક કર્મચારીઓ અને ગ્રાહકોના સેંકડો વાહનો માર્ગ પર ખડકાયેલા પડ્યા હોય છે. આવી જ સમસ્યાઓ આઈડીબીઆઈ બેંકવાળા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પણ જોવા મળે છે.

Advertisement

પંચવટીથી સહેજ આગળ ડીકેવી કોલેજ તરફ જતાં આ બેડી બંદર રોડ પર વિદ્યાસાગર ઈન્ફોટેક નામની કોલેજ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ધમધમે છે. પાંચ માળની આ તોતિંગ ઈમારતના પાર્કિંગનો દરવાજો તથા દરવાજાનું તાળું પણ કટાઈ ગયું છે, દરવાજા પાસે ઘાસ ઉગી ગયું છે. પાર્કિંગમાં વરસાદી પાણી અને ગંદકી છે. કોલેજના સંખ્યાબંધ છાત્રો સહિતના આ ઈમારતના તમામ મુલાકાતીઓ અને ધંધાર્થીઓ વગેરે મુખ્ય માર્ગ પર વાહનોના ખડકલા કરે છે. શહેરમાં એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ઠેરઠેર પાણી ભરેલાં પડયા છે. બીજી તરફ શહેરમાં રોગચાળો ચાલી રહ્યો છે. કોર્પોરેશનમાં આરોગ્ય સંબંધી બેઠકો યોજાઈ રહી છે.

કોર્પોરેશન નગરજનોને સલાહ અને ચેતવણી આપે છે કે, શહેરમાં કયાંય પાણી ભરાવું ન જોઈએ, ભરાયેલા પાણીમાં મચ્છરના પોરાં જોવા મળશે તો સંબંધિત નગરજનને દંડવામાં આવશે. આ સ્થિતિમાં શહેરના મોટાભાગના કોમર્શિયલ કોમ્પ્લેક્સના બંધ પાર્કિંગમાં જે પાણી ભરેલાં છે, ગંદકી છે, લાખો મચ્છરો ઉત્પન્ન થઈ રહ્યા છે, આ મચ્છરો સહિતના જંતુઓ શહેરમાં રોગો ફેલાવી રહ્યા છે ત્યારે, મહાનગર પાલિકાને કોણ દંડશે ? મહાનગરપાલિકા આ બધાં બંધ પાર્કિંગ વાહનોના પાર્કિંગ માટે ક્યારે ખોલાવશે ? ખોલાવી શકશે ? આટલાં વર્ષ દરમિયાન તો મહાનગરપાલિકા આ કામ કરી શકી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement