કાયપો છે..? કાચનો માંજો પાયેલ દોરા ઉપર હાઇકોર્ટનો પ્રતિબંધ
બે દિવસમાં અસરકારક અમલ કરવા રાજ્ય સરકારને તાકીદ, 13મીએ સુનાવણી
ઉતરાયણના ત્રણ દિવસ પહેલા જ ગુજરાત હાઈકોર્ટે એક મોટો નિર્ણય કરતા રાજ્યભરમાં કાચપાયેલ દોરાના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. અગાઉ ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ બાદ આજે કાચપાયેલ કાચી કોટનની દોરી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સરકારપક્ષે પણ આ હુકમનું પાલન કરવાની ખાતરી આપવામાં આવી છે.
આજે ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાય મુર્તિ સુનિતા અગ્રવાલની બેંચ સમક્ષ એક જાહેરહિતની અરજીની સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન સરકાર પક્ષે 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધ સબંધે કરેલી કાર્યવાહી રજૂ કરાઈ હતી. સરકાર પક્ષે અલગ અલગ ડ્રાઈવ ચલાવીને ચાઈનીઝ દોરીના મેન્યુફેક્ચરર, ટ્રેડર, સ્ટોકિસ્ટ સહિતના શખ્સો પર શું પગલા લેવાયા તે બાબતે એફીડેવીટ રજૂ કરાયું હતું. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ દ્વારા જણાવાયું હતું કે, આપણા દ્વારા કરાતી તહેવારોની ઉજવણી કોઈ પણ જીવ માટે ઘાતક ન બનવી જોઈએ.
સુનાવણીના અંતે અરજદારે હાઈકોર્ટનું ધ્યાન દોર્યુ હતું કે, ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ઉતરાયણની ઉજવણી સબંધે જે વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં ફક્ત ચાઈનીઝ દોરીનો જ સમાવેશ થાય છે. જેથી હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે, કાચ પાયેલ કોટન કે સિન્થેટીક કે ચાઈનીઝ દોરીના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે. આ ઉપરાંત આ અંગે હાઈકોર્ટે સરકારને અસરકારક પગલા ભરી બે દિવસ બાદ 13 જાન્યુઆરીએ રિપોર્ટ કરવાનો પણ હુકમ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષીઓ અને વાહન ચાલકો માટે જોખમી એવા ચાઇનીઝ દોરા તેમજ તુકકલના ઉપયોગ અને વેચાણ સામે અગાઉ જ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું અને ઉતરાયણના તહેવારોમાં આ બન્ને વસ્તુઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાવ્યો હતો. આમ છતાં છાનેે ખુણે ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાથી આ બારામાં પણ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું અને સરકારને અસરકાર પગલા ભરવા તાકીદ કરી હતી. જેના પગલે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને તુકકલના વેચાણ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રોજરોજ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.