બાર એસો.ના સેક્રેટરીનું સભ્યપદ રદ કરવાના પ્રકરણમાં કાનૂની જંગ: BCIના હુકમ સામે હાઇકોર્ટનો સ્ટે
ભાજપ લીગલ સેલના સભ્યોની જૂથબંધીમાં વકીલ મંડળની ચૂંટણી અગાઉ શરૂૂ થયેલા આટાપાટામાં રાજીનામું આપનાર સેક્રેટરી એડવોકેટ સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાનો બાર એસોસિએશને ઠરાવ કર્યાને પગલે બંને જૂથ વચ્ચે કાનૂની જંગ જામ્યો છે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રદ કરવાનો હુકમ કર્યો હતો. જે હુકમ સામે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સ્ટે આપતા પરાકાષ્ટાનો કાનૂની જંગ જામ્યો છે. જેમાં બાર એસોસિએશનની હાલ 2026ની ચૂંટણીમાં સમરસ પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરીપદે સંદીપ વેકરીયાએ ઉમેદવારી નોંધાવી છે, તેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેમાં સ્ટે આપવા સામે બાર એસોસિયેશનના હોદેદારોએ અરજી કરી સંદીપ વેકરીયાના પુન: સભ્યપદનો બીસીજીનો બીસીઆઇ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. તો સંદીપ વેકરીયાએ આ હુકમને પડકારતા હાઇકોર્ટ દ્વારા બી સી આઇ ના હુકમ સામે તારીખ 10/ 12/ 2025 સુધીનો વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે.
રાજકોટ બાર એસોસિએશનમાં ભાજપ લીગલ સેલના વકીલોના બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ દર વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉડીને આંખે વળગે છે. ત્યારે ગત વર્ષ 2025ના બાર એસોસિએશનની ચૂંટણીમાં સેક્રેટરી પદે ચૂંટાયેલા સંદીપ વેકરીયાએ બાર એસો.ના હોદેદારો અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના સહ અધ્યક્ષ દિલીપ પટેલ વિરુદ્ધ આક્ષેપો સાથેનો રાજીનામા પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે સંદર્ભે બાર એસોસિએશને નોટીસ આપીને સંદીપ વેકરીયાનું બાર એસોસિએશનમાંથી સભ્યપદ એક વર્ષ માટે સસ્પેન્ડ કરતો ઠરાવ કર્યો હતો. રાજકોટ બાર એસોસિએશનના ઠરાવ સામે સંદીપ વેકરીયા દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અપીલ દાખલ કરી હતી.
તેમાં ગુજરાત બાર કાઉન્સિલની કમિટી દ્વારા વર્ચ્યુઅલ મોડમાં બંને પક્ષની સુનાવણી થઇ હતી. સુનાવણીના અંતે રાજકોટ બારમાં ચૂંટણી કમિશ્નર નિયુક્ત થયાં બાદ એસોશિએશનનો વહીવટ અને સંચાલન કમિશ્નરને સોંપવા તેમજ કાઉન્સિલ ઓફ ગુજરાતે બંને પક્ષની રજૂઆત બાદ અરજદાર સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાના નિર્ણયને ગેરકાયદે હોવાનું ગણાવી તા.24-11નાં બાર એસો. દ્વારા પ્રકાશિત થયેલ મતદાર યાદીમાં નામ સામેલ હતું, તે પ્રમાણે પુન: સામેલ કરવાનો અને તેઓ ચૂંટણી લડવાપાત્ર ગણાશે તેવો હુકમ કર્યો હતો. દરમિયાન બીસીજી દ્વારા યોગ્ય ઠરેલા સંદીપ વેકરીયાએ જોઈન્ટ સેક્રેટરી પદ માટે ફોર્મ ભરી દીધું હતું, તેવામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમ સામે રાજકોટ બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ દાદ માંગતી રિવિઝન દાખલ કરી હતી. જે અરજી હાથ પર લેવામાં આવતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હુકમ સામે સ્ટે ફરમાવ્યો હતો. આથી સંદીપ વેકરીયાએ ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી જોઈન્ટ સેક્રેટરીપદે ઉમેદવારી ઉપર પ્રશ્નાર્થ સર્જાયા હતા.
દરમિયાન બીસીઆઈના હુકમને સંદિપ વેકરીયા દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારી (1) બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયા (2) રાજકોટ બાર એશોસીએશન (3) બાર કાઉન્સીલ ઓફ ગુજરાત (4) દિલીપભાઈ પટેલ (5) ચુંટણી કમીશ્નર, રાજકોટ બાર એશોસીએશન વગેરેને પક્ષકાર બનાવી તેઓ વિરૂૂધ્ધ સ્પે.સિવિલ એપ્લીકેશન દાખલ કરી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાનો હુકમ રદ કરવા અને ઉમેદવારી કરતા ન અટકાવવા કાર્યવાહીઓ કરી રજુઆતો કરવામાં આવી હતી. તેમાં બંને પક્ષની રજુઆતો, કાયદાકિય પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાર્યવાહીઓ પેન્ડિંગ હોવા દરમીયાન બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હુકમને સ્ટે કરતો અને સંદિપ વેકરીયાને ચૂંટણીમાં ભાગ લેતા અટકાવવા નહી તે સંબંધેનો તા. 10/ 12/ 2025 સુધીનો સ્ટેનો હુકમ ફરમાવી હાલ પૂરતું સંદીપ વેકરીયા બારની ચૂંટણી લડવા સામેનું વિઘ્ન દૂર થયું છે. વિશેષ સુનાવણી બુધવારે રાખવામાં આવી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે આ મામલે બંને પેનલો એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સંદિપ વેકરીયા વતી સિનિયર કાઉન્સીલ હર્ષિત ટોળીયા સાથે દર્શિત એમ. કામદાર રોકાયા હતા.
