For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમવારથી ‘ટોપા’ પહેરીને નીકળજો, પોલીસ તંત્ર તૂટી પડશે

01:22 PM Sep 06, 2025 IST | Bhumika
સોમવારથી ‘ટોપા’ પહેરીને નીકળજો  પોલીસ તંત્ર તૂટી પડશે

રાજકોટમાં આવતીકાલે ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ જાગૃતિ માટે રેલી અને સોમવારથી મહાઝુંબેશ

Advertisement

દરેક રસ્તા પર પોલીસ ગોઠવાઈ જશે, હેલમેટના કાયદાનો અમલ કરવો ફરજિયાત

રાજકોટ શહેર પોલીસ દ્વારા સોમવાર 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલમેટ ફરજિયાત પહેરવા ઉપરનો નિયમ અમલી કરવામાં આવનાર છે અને જેને લઈને શહેરમાં હેલમેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. 8 સપ્ટેમ્બરથી દરેક ટુ વ્હીલ ચાલકો અને પાછળ બેસનાર માટે ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. સોમવારે રાજકોટ શહેરના લોકોને ફરજિયાત ટોપા પહેરીને નીકળવું પડશે. હેલમેટની અમલવારીને લઈને પોલીસ પણ એલર્ટ બની છે. આવતીકાલે રવિવારે ટ્રાફીક પોલીસ દ્વારા હેલમેટની જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવનાર છે અને સોમવારથી શહેર ભરની પોલીસ હેલમેટની અમલવારી માટે રસ્તાઓ ઉપર ઉતરી પડશે. જેને લઈને લોકોમાં પોલીસ સાથે ઘર્ષણ થવાની શકયતા છે. શહેરમાં હેલમેટની અમલવારીને લઈને રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત હેલમેટ માટેની જાહેરાત કર્યા બાદ રાજકોટ શહેરમાં સોમવારથી હેલમેટના કાયદાનો અમલ કરાવવામાં આવશે.

Advertisement

ગુજરાત હાઈકોર્ટ મારફતે હેલમેટના કાયદાને અસરકારક બનાવવા 8 સપ્ટેમ્બર સોમવારથી તેનો કડક અમલ કરાવવા સરકારને ફરમાન આપવામાં આવ્યું હોય જેને લઈને હવે પોલીસ તંત્રને હેલમેટના કાયદાનો અમલ કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા માનવ જીંદગીને કમોતે મરતાં અને હેમરેજથી મૃત્યુ પામતા ટુ વ્હીલ ચાલકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો સોમવારથી પોલીસ કડક અમલ કરાવવા જઈ રહી છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા હેલમેટના નિયમનો કડક અમલ કરાવવાના આદેશને પગલે શહેર ટ્રાફીક પોલીસ સાથે તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ રસ્તા ઉપર ચેકીંગ માટે ઉતરી જવા આદેશ અપાયો છે. જેથી સોમવારથી શહેર ભરની પોલીસ રસ્તાઓ પર તુટી પડશે. એક તરફ હેલમેટના કાયદાના અમલ બાબતે રાજકોટનાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી હેલમેટનો કાયદો શહેર વિસ્તારમાં લાગુ ન કરવા માંગણી કરી છે. ગોવિંદભાઈ પટેલની રજૂઆતને સમર્થન આપી શહેર વિસ્તારમાં હેલમેટનો કાયદો ન હોવો જોઈએ તેવી લોકો માંગણી કરી રહ્યાં છે.

જો કે હાઈકોર્ટના આદેશને પગલે સરકાર કોઈપણ ભોગે હેલમેટના કાયદાનો અમલ કરાવવા મક્કમ છે. હેલમેટના કાયદાનો શહેરી વિસ્તારમાં અમલ કરાવવાને લઈને વિરોધનો સૂર ઉભો થયો છે ત્યારે સોમવારે હેલમેટના કાયદાના અમલ કરાવવા પોલીસ રસ્તા ઉપર ઉતરી પડશે ત્યારે ચોક્કસપણે વાહન ચાલકો સાથે ઘર્ષણ થાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે. પોલીસ દ્વારા સોમવારે હેલમેટના નિયમનો અમલ કરાવવા પૂર્વે રવિવારે હેલમેટ જાગૃતિને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને હેલમેટ પહેરવા માટે નિયમ સમજાવવામાં આવશે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ શહેરમાં જ્યારે જ્યારે હેલમેટના કાયદાનું અમલ કરાવવામાં પોલીસે જે વલણ દાખવ્યું છે તેની સામે ભારે રોષ સાથે લોકજુવાળ જોવા મળ્યો છે. ત્યારે સોમવારે ફરી વખત પોલીસ અને પ્રજાજનો સામે સામે આવી જાય તેવી સ્થિતિ જોવા મળશે.

રાજકોટની જાગૃત પ્રજા સહયોગ આપે તે જરૂરી: ડીસીપી હરપાલસિંહ જાડેજા
હેલમેટના કાયદાને લઈને રાજકોટનાં નવનિયુકત ટ્રાફીકના ડીસીપી હરપાલસિંહ જાડેજા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, હેલમેટના કાયદાના અમલ માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે બે વખત ટકોર કરી છે. અકસ્માતની વધતી જતી સંખ્યાઓ મૃત્યુદરને ધ્યાને રાખી લોકોની સુરક્ષાના હેતુ માટે હેલમેટના કાયદાનો અમલ જરૂરી છે. હેલમેટના કાયદાનો અમલ કરાવતી વખતે ઘર્ષણ બાબતે તેમણે જણાવ્યું કે, રાજકોટની પ્રજાએ જાગૃત પ્રજા છે અને આ નિર્ણય લોકહિતમાં હોવાથી રાજકોટનાં લોકો પોલીસને સહયોગ આપે તે જરૂરી છે અને ટ્રાફીકના નિયમોની જેમ હેલમેટના નિયમનો પણ પાલન કરે જેથી આ કાયદાનો અમલ કરાવવામાં પોલીસને પણ સરળતા રહે.

Advertisement
Tags :
Advertisement
Advertisement