હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠક
મેડિકલ સેવા, ફુડ પેકેટ, બ્લડ ડોનેશન, આરોગ્ય સેવા, સ્વયંસેવકો તૈયાર કરવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા
દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લાની વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા મેડિકલ સેવાઓ, ફૂડ પેકેટ, નિવાસ સહિતની જરૂૂરી બાબતો અંગે સંસ્થાઓની ક્ષમતા અને તૈયારીઓની વિગતો મેળવી પૂર્વ તૈયારીઓનું ઝીણવટપૂર્વક આયોજન હાથ ધરાયું હતું.
કલેક્ટરે દેશ અને સમાજમાં વિવિધ પરિસ્થિતિઓમાં સ્વૈચ્છિક સંગઠનોની ભૂમિકાને મહત્ત્વની ગણાવી હતી. આ બેઠકમાં ઈમરજન્સીની સંભવિત સ્થિતિમાં જરૂૂરી વિવિધ પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સિવિલ હોસ્પિટલ તેમજ વિવિધ બ્લડ બેન્કોમાં બ્લડ સ્ટોક વિશે માહિતી મેળવતા સ્થાનિક આરોગ્ય તંત્રની જરૂૂરિયાત અનુસાર બ્લડ ડોનેશન કેમ્પમાં નાગરિકોને જોડાવવા અનુરોધ પણ કરાયો હતો.આ ઉપરાંત, વધુ રક્તદાન કેમ્પ યોજવા અને રક્તદાતાઓની યાદી અપડેટ રાખવા સહિતની બાબતો પર ભાર મુકાયો હતો.
આ બેઠકમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ (ઈલેક્ટ) ડો. યજ્ઞેશ પોપટ તેમજ રાજકોટના અન્ય સભ્યોએ કોઈપણ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં આઈ.એમ.એ.ની ટીમ સિવિલ હોસ્પિટલ સાથે સંકલનમાં રહીને ખડેપગે હોવાનું જણાવ્યું હતું. તેમણે વિવિધ સર્જન, ફિઝિશિયન તેમજ નર્સિંગ સહિતની ટીમ, વિવિધ હોસ્પિટલ્સમાં બેડ સહિતની સારવારની વ્યવસ્થાઓ તેમજ રક્ત આપૂર્તિ માટે પણ તૈયારી હોવાની ખાતરી આપી હતી. જરૂૂર પડ્યે આઈ.એમ.એ.ની ટીમને અન્ય જિલ્લાઓમાં મોકલવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.
ઉપરાંત વિવિધ સંસ્થાઓ પાસે રહેલા મેડિકલ સાધનો જેવા કે ઓક્સિજન બોટલ્સ, વ્હીલચેર, આરામ માટે બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ સહિતની વ્યવસ્થાઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓએ ફૂડ પેકેટ્સ તેમજ કોઈપણ સ્થિતિમાં સેવા માટે પોતાના સ્વયંસેવકો તૈયાર હોવાની તૈયારી દર્શાવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ સિવિલ ડિફેન્સની વ્યવસ્થા અંગે સૌને માહિતી આપી હતી અને જરૂૂર પડ્યે સંસ્થાઓના સ્વયંસેવકોની સેવા સિવિલ ડિફેન્સ હેઠળ લેવા જણાવ્યું હતું.
કલેક્ટરે સોશિયલ મીડિયા પર ચાલતા ફેક ન્યૂઝ અને ખોટી માહિતીના પ્રવાહમાં તણાઈ ના જવાય તે માટે સૌ સંસ્થાઓને જાગૃત અને સાવધ રહેવા અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે જણાવ્યું હતું. આ સાથે તેમણે સંસ્થાઓને અધિકૃત માહિતી માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગુજરાત સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રીના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને તેમના પર મુકાતી માહિતીને ફોલો કરવા ભાર મુક્યો હતો. સંસ્થાઓના સ્વયંસેવકોના ગ્રૂપ્સમાં પણ કોઈ ફેક માહિતી ફોરવર્ડ ના થાય અને અધિકૃત માહિતી જ પહોંચે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ ડો. મોનાલી માકડિયા, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. આર. આર. ફુલમાલી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વિવિધ સભ્યો તેમજ રેડક્રોસ બ્લડ બેન્ક, બોલબાલા ટ્રસ્ટ, સરગમ ક્લબ, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારીઝ, ઈસ્કોન, પ્રોજેક્ટ લાઇફ, ખોડલધામ ટ્રસ્ટ, કાઠિયાવાડ બાલાશ્રમ, સ્વાતંત્ર્ય સેનાની શુભેચ્છક પરિવાર, હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર, રામકૃષ્ણ આશ્રમ, પુજીત રૂૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, બી.એ.પી.એસ. તેમજ અન્ય શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
38 ચીજવસ્તુઓના ભાવોનું સતત મોનીટરીંગ, સંગ્રહખોરી સામે કાર્યવાહી
રાજકોટ જિલ્લા પુરવઠા કચેરીએ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ માટે રાજકોટ જિલ્લામાં દરરોજ 38 આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે કે, જિલ્લામાં પેટ્રોલના સ્ટોક અંગે કોઈ પ્રશ્ન નથી. પેટ્રોલનું કોઈ પણ સ્ટોરેજ ન કરે તે બાબતે ઓઇલ કંપનીઓને સૂચના આપવામાં આવી છે.