આપણે એક નથી એટલે આપણા એકપણ મંત્રી નથી: IPS ચુડાસમા
કારડીયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં સમાજને અરીસો બતાવતા પોલીસ અધિકારી
સુરેન્દ્રનગર ખાતે કારડીયા રાજપૂત સમાજના યોજાયેલ શૈક્ષણિક સંકુલના ખાત મુહુર્તના કાર્યક્રમમાં સિનિયર આઇપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાએ ગુજરાતના રાજકારણમાં કારડીયા રાજપૂત સમાજની વસતી અને ધારાસભ્યોની સંખ્યા અંગે સૌનું ધ્યાન ખેંચે તેવી વાત કરી હતી.
વઢવાણમાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા રવિવારે સમાજના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 5000 હજારથી પણ વધુ સમાજના લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે આઇપીએસ અભયસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. તેમણે રાજકારણમાં સમાજના પ્રભુત્વ લઇને જણાવ્યું કે છેલ્લી 2 ટર્મથી આપણા એક પણ મંત્રી નથી. કારણ કે આપણે સૌ એક નથી. વહેંચાયેલા છીએ. ગુજરાતમાં 34 વર્ષ પૂરા થવા આવ્યા. છેલ્લી 2 ટર્મ એવી છે કે આપણા સમાજના એક પણ મંત્રી નથી. દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ. વસતીની દ્રષ્ટીએ આપણા ચાર ધારાસભ્યો હોવા જોઇએ પણ હાલ બેજ ધારાસભ્ય છે.
ઉલ્લેખનીય છે કે અભયસિંહ ચુડાસમા પણ કારડીયા રાજપૂત સમાજમાંથી આવે છે અને ગુજરાતમાં તેની એક ઝાંબાજ પોલીસ અધિકારી તરીકે પણ થાય છે. અમદાવાદના સિરીયલ બોંબ બ્લાસ્ટના ઇન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે સીમાચિન્હરૂપ કામગીરી કરી હતી જેના કારણે આરોપીઓને ફાંસીની સજા પડી હતી.