કલ્યાણપુરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર
દ્વારકામાં પાંચ ઇંચ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, દરિયામાં કરંટ સાથે વિકરાળ મોજા
જળાશયોમાં નવા નીરની આવક, વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, સવારથી ઝાપટા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયના મેઘવિરામ પછી ગઈકાલે મંગળવારથી પુન: મેઘરાજાના મંડાણ થયા હતા. જેમાં મંગળવારે સવારથી બુધવારે સવાર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં મુશળધાર 11 ઈંચથી વધુ તેમજ દ્વારકા તાલુકામાં આઠ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જવા પામ્યો છે.
દેવભૂમિ દ્વારકામાં મંગળવારે બપોરે બે વાગ્યા સુધીમાં પાંચ ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યા હતા. શહેરના ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેઈટ, રાવળા તળાવ સહિત નિચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં રહેણાંક તથા બેન્કો, દુકાનો સહિતના કોમર્શીયલ સ્થળોમાં દોઢથી બે ફુટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહયા હતા.
આ સાથે દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, રાવલ, ભાટિયા, લાંબા દ્વારકા સહિત અનેક જગ્યાએ સારો વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક અને મુશળધાર વરસાદથી ધરતીપુત્રોમાં તથા શહેરીજનોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. તાજેતરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયા બાદ માંગ્યા મેહ વરસી જતા ખાસ કરીને ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
દ્વારકા વિસ્તારમાં આ ભારે વરસાદના કારણે શહેરીજનોને કાળઝાળ ગરમીથી મુક્તિ મળી છે. આ વરસાદ વરસતા દ્વારકા શહેરના મુખ્ય માર્ગો પર પરિવાર સાથે ફરવા નીકળી પડ્યા હતા અને મન ભરીને વરસાદને માણ્યો હતો. દ્વારકાના દરિયા કાંઠાના વિસ્તારમા વિકરાળ મોજા ઉછળ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદી વાતાવરણમાં ધીમી ધારે વરસાદી મહેર યથાવત રહેતા ચારેય તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો હતો આ સાથે કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી અને ગત રાત્રિના અવિરત રીતે છ ઈંચ સાથે આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 280 મિલીમીટર (11 ઈંચથી વધુ) પાણી વરસાવી દેતા થિયેટર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
આજે સવારે 8 વાગ્યા સુધી 26 કલાકના આંકડાઓ મુજબ કલ્યાણપુર તાલુકામાં વધુ 280 મીમી (11 ઈંચ) વરસાદ સાથે મોસમનો કુલ 955 મીમી (38 ઈંચ) દ્વારકા તાલુકામાં વધુ 173 મી.મી. (7 ઈંચ) વરસાદ સાથે મોસમનો કુલ 666 મીમી (સાડા 26 ઈંચ), ખંભાળિયા તાલુકામાં વધુ 19 મીમી (0.7 ઈંચ) વરસાદ સાથે કુલ 416 મીમી (16.5 ઈંચ) અને ભાણવડ તાલુકામાં વધુ 27 મીમી (એક ઈંચ) વરસાદ સાથે મોસમનો કુલ 443 મીમી (પોણા 18 ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ સાથે અરબી સમુદ્રમાં પણ જબરદસ્ત કરન્ટ જોવા મળ્યો હતો અને દ્વારકાના દરિયાકિનારાના વિસ્તારોમાં વિશાળકાય મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પ્રશાસન દ્વારા જારી કરવામાં આવી છે.
જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા વરસ્યાના વાવડ છે. લાંબા સમયના મેઘવિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા છે અને જળ સ્ત્રોતોમાં નવા નીરની આવક થવા પામી છે. વરસાદના આંકડા મંગળવારે સવારે 6 થી આજે સવારે 8 વાગ્યા સુધીના છે.