ન્યારી-1 અને ન્યારી-2 સહિતના 5 ડેમમાં પ્રથમ વરસાદે જ જળસંચય
સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ચોમાસાની વિધીવત એન્ટ્રી થઈ છે. શનિવારે બપોર સુધી ઉકળાટ રહ્યાં બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માત્ર અડધો કલાકમાં જ ત્રણ થી ચાર ઈંચ વરસાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડયો હતો. આ વરસાદના આગમનથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.
શનિવારે પડેલા વરસાદથી રાજકોટનાં ન્યારી-1માં 0.16, ન્યારી-2માં 0.63, વેરીમાં 0.69 ફાડદંગબેટીમાં 0.33, મચ્છુ-1માં 0.13, મચ્છુ-2 0.20 મીમી નીરની આવક નોંધાઈ છે. આ જળાશયોમાં નવા નીર આવતાં સપાટી જીવંત બની છે. નવા નીરની આવક થતાં ન્યારી-1માં 48.50, ન્યારી-2 56.11, વેરીમાં 1.48, ફાડદંગબેટીમાં 12.8, મચ્છુ-1માં 19.83, મચ્છુ-2માં 5.10 ટકા પાણીનો જથ્થો થયો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પાણીની અછત સર્જાશે તેવો ભય ફેેલાયો હતો. મોટાભાગનાં ડેમોમાં પાણીની સપાટીમાં 70 ટકાથી વધુનો ઘટાડો થતાં તળીયા દેખાયા હતાં. ત્યારે હવામાન વિભાગની આગાહી મુુજબ તા.14મીએ સૌરાષ્ટ્રમાં વરસાદ પડતા ડેમોમાં પાણીની આવક થતાં સપાટી ફરી જીવંત બની છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ દૂર થશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.