For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંગળીના ટેરવે બાળકો બ્રાઇટ અને બહેનો બને છે પગભર

11:03 AM Dec 10, 2025 IST | Bhumika
આંગળીના ટેરવે બાળકો બ્રાઇટ અને બહેનો બને છે પગભર

5થી 15 વર્ષના બાળકો માટે આંગળીઓથી ગણતરી થઈ શકે તે માટેનો કોર્સ જાતે ડિઝાઇન કર્યો છે કિંજલબેન વામજાએ

Advertisement

સમગ્ર ગુજરાતમાં 56 જેટલી બ્રાન્ચના સંચાલનમાં ફક્ત મહિલાઓને જોડીને 250થી વધુ મહિલાઓને પગભર બનાવી છે કિંજલબેન વામજાએ

"એક સમય હતો જ્યારે દસ આંકડાના લેન્ડલાઈન નંબર આપણે યાદ રાખતા.સગા સંબંધીઓના એડ્રેસ,રોડ,શેરી ગલી બધું આપણને યાદ રહેતું પરંતુ હવે ટેકનોલોજી અને સાધનોએ આપણા જીવનમાં પગપેસારો કર્યો છે. આપણે બિલકુલ તેના પર નિર્ભર થઈ ગયા છીએ અને આ બધી અસર આપણા બાળકો પર પણ પડી રહી છે. બાળકોને આ માટે પહેલેથી જ તૈયાર કરવા જરૂૂરી છે. આંકડાકીય ગણતરી કરવાથી બ્રેઇનનું ફોકસ વધે છે તેથી જો માઈન્ડ ગેમ,ફન ગેમ, અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવે તો બાળકો ચોક્કસ પોતાના ક્ષેત્રમાં કંઈક મેળવી શકે.બાળકોને આ બધી પ્રવૃત્તિ સાથે ગણતરીની એક અલગ મેથડ અમે વિકસાવી છે જેના દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે છે". આ શબ્દો છે સુરતના બ્રાઈટર બી સંસ્થાના સ્થાપક કિંજલબેન વામજાના.જેઓ છેલ્લા આઠ વર્ષથી આંગળીઓથી ગણતરીની ટેક્નિક દ્વારા સમગ્ર ગુજરાતના 20 શહેરોમાં 56 જેટલી બ્રાન્ચ ચલાવી રહ્યા છે.તેની વિશેષતા એ છે કે દરેક બ્રાન્ચનું સંચાલન મહિલાઓ દ્વારા થાય છે આમ 250થી વધુ મહિલાઓને તેઓ પગભર કરી રહ્યા છે.

Advertisement

તેઓનું વતન રાજકોટનું વિંછિયા રૂૂપાવટી.શાળાકીય ભણતર સંજોગ મુજબ અલગ અલગ જગ્યાએ થયું ત્યારબાદ ધો.11 અને ધો.12 મોદી સ્કૂલમાં વિજ્ઞાન વિષય સાથે ભણ્યા અને ત્યારબાદ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ પૂરો થતા જ લગ્ન થયા અને લગ્ન પછી ગવર્મેન્ટ જોબ માટેની તૈયારી કરી. 2017ની સાલમાં સુરતમાં શિફ્ટ થયા.આઠ પરિવારનું સંયુક્ત કુટુંબ હતું. ઘર પરિવારની જવાબદારી સાથે કંઈક પ્રવૃત્તિ કરવાનું નક્કી કર્યું. એજ્યુકેશન ફિલ્ડમાં તો રસ હતો જ એટલે ઘર નજીકની શાળામાં દોઢ વર્ષ જોબ કરી અને ત્યારબાદ 2019 માં પોતાના દિયર વિશાલભાઈ કાવઠિયા સાથે ’બ્રાઇટર બી’ ની શરૂૂઆત કરી. પાંચ વિદ્યાર્થીઓથી શરૂૂ કરેલ આ સફર અત્યારે સાડા છ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે.

બ્રાઈટર બી વિશે માહિતી આપતા કિંજલબેને જણાવ્યું કે આ એક બ્રેઈન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે જે 5 થી 15 વર્ષના બાળકો માટે છે. બાળકો આંગળીઓથી ગણતરી કરી શકે તે માટે આ કોર્સ જાતે ડિઝાઇન કર્યો છે. આંગળીઓથી ગણતરી કરીએ ત્યારે કોઈના પર નિર્ભર રહેવું પડતું નથી એમ વિચારીને આ કોર્સ ડેવલપ કર્યો છે. ઉપરાંત બધા જ બાળકો એફોર્ડ કરી શકે એ પ્રકારે ફી રાખી છે.

જેમાં 5 થી 11 અને 12 થી 15 વર્ષના બાળકો માટે જુદા જુદા લેવલનું આયોજન કર્યું છે અઠવાડિયામાં ફક્ત ચાર કલાક ભણાવવામાં આવે છે. કોઈ હોમવર્ક આપવામાં આવતું નથી જેના પરિણામે બાળકોનું ફોકસ વધે છે સ્પીડ, એક્યુરસી,મેમરી ડેવલપ થાય છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય છે.આ સાથે પ્રિ-સ્કૂલમાં પણ 2000 થી વધુ બાળકોને શિક્ષણ આપ્યું છે.

પોતાના સંઘર્ષના સમયને યાદ કરતા તેઓ જણાવે છે કે જીવનના દરેક સંઘર્ષને હું ઓપર્ચ્યુનિટી તરીકે જોઉં છું.બ્રાઇટર બીની સ્થાપના કરી તેના ચાર મહિનામાં જ કોરોના આવ્યો અને બધું જ ઠપ્ થઈ ગયું ત્યારે જેમણે એડમિશન લીધા હતા તેને ઓનલાઇન ભણાવીને કોર્સ પૂરો કરાવ્યો હતો. કોરોનાની સમાપ્તિ થઈ અને લોક ડાઉન ખુલ્યું ત્યારે પ્રેગનેન્સી હોવા છતાં સવારથી સાંજ સુધી 80 જેટલા સ્ટુડન્ટના ક્લાસ લીધા.પ્રેગનેન્સીના છેલ્લા દિવસો સુધી કામ કર્યું. અત્યારે પ્રિ-સ્કૂલ પણ શરૂૂ કરી છે એટલે બંને પર ધ્યાન આપવું જરૂૂરી બની જાય છે.9 વર્ષની દીકરી અને 4 વર્ષના દીકરાની પણ જવાબદારી છે.આમ છતાં પતિ પ્રશાંતભાઈ અને પરિવારના સહયોગથી કામ સરસ રીતે ચાલી રહ્યું છે.

હાલના સમયમાં ગુજરાતમાં અલગ-અલગ બ્રાન્ચ વધી રહી છે ત્યારે કિંજલબેનનું સ્વપ્ન બ્રાઇટર બીને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાનું છે,વિશ્વના બધા જ બાળકો આ સિસ્ટમથી ગણતરી કરી શકે તે માટે ઓનલાઈન કોર્સ કરવાનો પણ વિચાર છે. પ્રિ-સ્કૂલને પણ આગળ વધારવા સાથે ભાર વિનાના ભણતરનો પ્રચાર થાય,બાળકો પ્રેક્ટિકલ નોલેજ મેળવે એ માટે કામ કરવાની ઈચ્છા છે. કિંજલબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

બધી જ બ્રાન્ચનું સંચાલન થાય છે મહિલાઓ દ્વારા
બધી જ બ્રાન્ચમાં મહિલાઓ જ શા માટે? તેનો જવાબ આપતા કિંજલબેને જણાવ્યું કે એક માતા પોતાના બાળકને સ્કૂલમાં મૂકે છે ત્યારે શિક્ષકે બીજી માતા બનવાનું હોય છે. શરૂૂઆતમાં મિત્ર વર્તુળમાં જે મહિલાઓ હતા તેઓ જોડાયા. તેના પરથી જણાયું કે મહિલાઓ બાળકો સાથે ધીરજથી કામ પાર પાડી શકે છે. મહિલાઓ જવાબદારીથી કામ કરે છે બાળકો સાથે બોન્ડિંગ બનાવી શકે છે. આ ઉપરાંત બપોર પછીના સમયમાં મહિલાઓ ફ્રી હોય ત્યારે પોતાના ઘરની જવાબદારી સાથે સાઈડ ઇન્કમ મેળવી શકે અને આત્મવિશ્વાસ કેળવી શકે તે માટે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.

કોઈ પણ મહિલા બની શકે છે આત્મનિર્ભર
આ બાબત કિંજલબેને જણાવ્યું કે સામાન્ય અભ્યાસ કરેલ હોય એવી કોઈપણ મહિલા અમારી સાથે જોડાઈ શકે છે. કોઈ રોયલ્ટી લીધા વિના તેમને ટોટલી ટ્રેનિંગ આપવામાં આવે છે.તે માટેની માહિતીનું મટિરિયલ પણ પૂરું પાડવામાં આવે છે. રોજ 4:00 થી 8:00 કામ કરીને સારી એવી ઇન્કમ મેળવી શકાય છે. લો ઇન્વેસ્ટમેન્ટમાં શરૂૂ કરીને પોતાની મહેનત અને સૂઝના આધારે 10 હજાર થી લઈને લાખ સુધી કમાઈ શકે છે.

બાળકોએ બનાવ્યો નવો રેકોર્ડ
આ બાબત માહિતી આપતા કિંજલબેને જણાવ્યું કે અમારા બાળકોએ ગયા વર્ષે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં નવ બ્રાન્ચના પેરેન્ટ્સ હાજર હતા ચારથી પાંચ હજારની પબ્લિક વચ્ચે 2500 બાળકોએ 5 મિનિટમાં 90 સમ ક્લિયર કરીને બતાવ્યા હતા ત્યારે યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા.

આત્મનિર્ભર બનશો તો આત્મવિશ્વાસ આવશે
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે કોઈપણ કામ ફોકસ રાખીને કરશો તો સફળતા અવશ્ય મળશે.દરેક રસ્તો તમારે પોતે જ શોધવાનો છે.આત્મનિર્ભર બનશો તો આત્મવિશ્વાસ પણ આવશે તમારી કાબિલિયતને ઓળખો અને અલગ પહેચાન બનાવો. કોઈ ફીલ્ડ નાનું કે મોટું, સહેલું કે અઘરું નથી હોતું.

Written By: Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement