વૃંદાવનધામ ત્રિદિવસીય મનોરથ, ધ્વજાજી ઉત્સવ બન્યું યાદગાર સંભારણું
નાથદ્વારાના પ.પૂ.ગો.પા. 105 વિશાલ બાવાના હસ્તે દીપદાન મનોરથ ઉજવાયો
યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારએ વૃંદાવનધામ ખાતે ‘ધ્વજાજી’ ના દર્શન કર્યા
ત્રિદિવસીય મનોરથમાં લાખો વૈષ્ણવો-ભાવિકોએ ‘ઠાકોરજી’ ના દર્શન કરી ધન્યતા અનુભવી
રાજકોટની ભાગોળે ઇશ્વરીયાના દ્વારકાધીશન ફાર્મ ની 12.5 એકર વિશાળ જગ્યામાં ઉભા કરાયેલા વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર આયોજીત ત્રિદિવસીય મનોરથ અને શ્રીનાથદ્રારા ના ધ્વજાજી આરોહણ ઉત્સવમાં રાજકોટના લાખો વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતાએ સહભાગી થઈ ‘ગોકુળીયો’ માહોલ સર્જી દીધો છે. લાખો વૈષ્ણવો ભાવિકોએ ‘ઠાકોરજી’ ના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
બાનલેબ ઉકાણી પરિવાર દ્રારા ત્રીદિવસીય મનોરથ ઉત્સવમાં વૃંદાવન ધામની પાવન ભૂમીમાં સવારે 8:30 થી અને સાંજે 4:30 થી 8:30 દર્શન તથા ધ્વજાજી આરોહણ, છપ્નભોગ મનોરથ, ગૌચરણ મનોરથ, દિપદાન મનોરથ ના પ્રસંગો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયા હતા. ગઈ કાલે નાથદ્રારા ના પ.પૂ.ગો.પા. 105 વિશાલબાવાના ની નિશ્રામાં દિપદાન મનોરથ ઉજવાયો હતો. વૃંદાવનધામ ખાતે નાથદ્રારાના મોતી મહેલ ના વિશાળ મંદિરને 5100 દિવડાઓથી શણગારવામાં આવ્યુ હતુ. દિવડાઓના ઝગમગાટથી મોતીમહેલનો અદભૂત અને અલૌકિક દ્રશ્ય સર્જાયુ હતુ. રાજકોટવાસીઓએ બહોળી સંખ્યામાં દિપદાન મનોરથના દર્શનનો લ્હાવો લીધો હતો.
ગઇકાલે ઉજવાયેલા દિપદાન મનોરથમાં રાજકોટના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પૂજય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારે વૃંદાવનધામ ખાતે પધરામણી કરી ‘ધ્વજાજી’ ના દર્શન કર્યા હતા. ગઇકાલે ઉકાણી પરિવારના ડો. ડાયાભાઈ ઉકાણી, મૌલેશભાઈ ઉકાણી, સોનલબેન મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, અમીતાબેન નટુભાઈ ઉકાણી, લવ ઉકાણી, રીશા લવ ઉકાણી, જય ઉકાણી, હેમાંશી જય ઉકાણી, રાધા અને રીશી, વિધી, યુગ સહીતના પરિવારજનોએ વિશાલ બાવાના સાનિધ્યમાં દિપદાન મનોરથની ઉજવણી કરી હતી.
પુષ્ટીમાર્ગીગ વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રધાન પીઠ ગણાતા શ્રીનાથદ્રારા હવેલીના ગો.તિ. રાકેશ ઇંદ્રદમન મહારાજની આજ્ઞા અને ગો.ચિ. વિશાલબાવા ની નિશ્રામાં રાજકોટમાં સ્વયંમ ઠાકોરજીનું સ્વરૂૂપ ગણાતા ’ધ્વજાજી’ તથા મનોરથ ઉત્સવમાં નાથદ્રારાના મુખ્યા નિલેશ સાંચીહર, તિલકાયતના મુખ્ય સલાહકાર અંજન શાહ, શ્રી નાથદ્રારા મંદિરના અધિકારી અનીલ સનાઢય, લીલાધર પુરોહીત, ઉમંગ મહેતા, પુષ્ટી સંપ્રદાયના પ્રચારક મહર્ષિ વ્યાસ, સહીત શ્રી નાથદ્રારા મંદિરની ટીમ જોડાય હતી.
પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજી વૈષ્ણવોને દર્શન આપવા તેમના ઘેર જાય તેવી પરંપરાના ભાવ સાથે ‘ધ્વજાજી’ ના રૂૂપમાં દર્શન આપે છે. જે વૈષ્ણવો નાથદ્રારા ખાતે જઈ શકતા ન હોય તેઓ અહિ શ્રીનાથજી ના દર્શનનો લાભ લઇ ભાવવિભોર બન્યા હતા. ઉકાણી પરિવારના ઇશ્વરીયા સ્થિત દ્રારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ કૃષ્ણભકિતના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વૃંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત, નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ના દર્શન માટે ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. વૃંદાવનધામ ખાતે ‘ઠાકોરજી’ ના દર્શન તથા મનોરથ ઉત્સવમાં ત્રણ દિવસ માં અંદાજે 2 લાખ જેટલા ભાવિકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
મનોરથ ઉત્સવને ‘સોનેરી સંભારણું’ બનાવવા બદલ રાજકોટની ધર્મપ્રેમી જનતાનો આભાર માનતા મૌલેશભાઈ ઉકાણી
ગુજરાતના હર્બલ જાયન્ટ તરીકે ઓળખાતા દિગ્ગજ ઉદ્યોગપતિ અને બાનલેબ ના મેનેજીંગ ડાયરેકટર મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા યોજાયેલા ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં ઇશ્વરીયા ખાતે ભવ્યાતિભવ્ય ’વૃંદાવન ધામ’ ને નિહાળવા ત્રણ દિવસમાં રાજકોટની ધર્મપ્રેમી જનતાએ સહભાગી બની મનોરથ ઉત્સવને સોનેરી સંભારણું બનાવ્યુ હતું. ઉકાણી પરિવારની લાડકવાયી દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ યોજાયેલા ત્રિદિવસીય મનોરથ અને નાથદ્રારાની ‘ધ્વજાજી’ના દર્શન કરી વૈષ્ણવો અને ધર્મપ્રેમી જનતાએ આ અલોકિક અવસરનો મોટી સંખ્યામાં ધર્મલાભ લીધો છે. ઉકાણી પરિવાર દ્રારા સ્વજનો, મિત્રવર્તુળ, મોંધોરા મહેમાનો, સગા-સંબંધીઓ, રાજકીય -સામાજીક આગેવાનો ઉપરાંત આ ભવ્ય- દિવ્ય મનોરથ ઉત્સવમાં રાજકોટની જનતાને પણ જાહેર આમંત્રણ પાઠવી આ અણમોલ અવસરમાં ધર્મપ્રેમીઓને સહભાગી કર્યા હતા. ત્રણ દિવસના મનોરથ પ્રસંગે રાજકોટની જનતાએ પણ ઉમંગ અને ઉત્સાહ સાથે જોડાયને ઠાકોરજીની ધ્વજાજીના દર્શન તથા વૃંદાવનધામની પ્રતીકૃતિઓ નિહાળી અભિભૂત બની મૌલેશભાઇ ઉકાણી તથા ઉકાણી પરિવાર પર શુભેચ્છા વર્ષા કરી છે. ત્યારે દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી એ ઇશ્વરીયાના વૃંદાવન ધામ ખાતે યોજાયેલા મનોરથમાં જોડાય પ્રસંગને ઐતિહાસીક અને સોનેરી સંભારણું બનાવવા બદલ રાજકોટની ધર્મપ્રેમી જનતાનો ખૂબ-ખૂબ આભાર વ્યકત કર્યો હતો.