તહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશે
ઇમર્જન્સી અને દરેક વોર્ડમાં વધારાના તબીબો-નર્સિંગ સ્ટાફને જવાબદારી સોંપાઇ
જન્માષ્ટમીના તહેવાર શરૂૂ થઈ ગયા છે અને તહેવારને લઈને આખા શહેરમાં રજાનો માહોલ જામ્યો છે.ત્યારે જન્માષ્ટમીના તહેવારો ઉપર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે વધારાના સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
સિવિલ હોસ્પિટલ જન્માષ્ટમીના તહેવારો ઉપર રાઉન્ડ ધ કલોક ધમધમશે. ઇમરજન્સી સેવા દરરોજ કરતા વધુ ડ્યુટી નિભાવશે જેના માટે દરેક વોર્ડ અને ઈમરજન્સી વિભાગ ખાતે વધારના તબીબ અને નર્સિંગ સ્ટાફને જવાબદારી સોપાઈ છે. જન્માષ્ટમીના તહેવારો ઉપર અકસ્માતના કેસ વધુ હોવાથી તેને લગતી સુવિધા માટે દવાઓ તેમજ ડ્રેસિંગના સામાનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી લેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર સામાન્ય દિવસો કરતા વધુ દર્દીઓ આવતા હોય છે. જેને લઇ તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માંકડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જન્માષ્ટમીના તહેવારોમાં 15મી ઓગસ્ટ શુકવારે જ માત્ર ઓપીડી બંધ રહેશે. શનિવારે રાબેતા મુજબ અડધો દિવસ ઓપીડી ચાલુ રહેશે જોકે ઈમરજન્સી સેવા 24 કલાક ચાલુ રહેશે.
જન્માષ્ટમીના તહેવારોમાં ખાનગી હોસ્પિટલ બંધ રહેતી હોય. જેથી ઇન્ડોર દર્દીઓની સંખ્યા વધુ હોય અને ખાસ કરીને અકસ્માતના બનાવો વધુ બને છે. જેથી વધારાના તબીબોને ફરજ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
જન્માષ્ટમીના તહેવારોમાં દરેક વોર્ડ અને ઈમરજન્સી વિભાગ ખાતે વધારના તબીબની એક ટીમ અને નર્સિંગ સ્ટાફની બે ટીમને જવાબદારી સોપાઈ છે. તેમજ રેસીડન્ટ તબીબોને રાઉન્ડ ધ કલોક જવાબદારી સોપાઈ છે.
ઉપરાંત ઓર્થોપેડિક સહિતના વિભાગને પણ એલર્ટ રાખવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં આ માટે વધારાની તૈયારીઓ કરી લેવાઈ છે.
જન્માષ્ટમીના તહેવાર ઉપર તાવ,શરદી,ઉધરસ સહિતના દર્દીઓનો સંખ્યા પણ વધારે જોવા મળે છે.ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા જન્માષ્ટમીના તહેવાર ઉપર દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.