શિક્ષણ બોર્ડના 9 સભ્યો માટે 24 સપ્ટેમ્બરે મતદાન
20મીથી ફોર્મ ભરવાનું શરૂ થશે, 26 સપ્ટેમ્બરે મતગણતરી, 80 હજાર મતદારો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણીને લઈ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરાયા બાદ હવે 20 ઓગસ્ટથી ઉમેદવારીપત્રો ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે. 24 સપ્ટેમ્બરના રોજ 9 સભ્યોને ચૂંટવા માટે મતદાન થશે. મતદાન થયા બાદ 26 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આમ, સપ્ટેમ્બરના અંત સુધીમાં શિક્ષણ બોર્ડના નવા સભ્યો ચૂંટાઈ જશે.
શિક્ષણ બોર્ડ દ્વારા 9 સભ્યોની ચૂંટણી અંગેનું જાહેરનામુ બહાર પાડ્યું છે. જાહેરનામુ બહાર પાડવામાં આવ્યા બાદ હવે ચૂંટણીનો ધમધમાટ શિક્ષણ જગતમાં જોવા મળશે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા અનુસાર હવે 20 ઓગસ્ટના રોજથી ચૂંટણી માટે ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વિકારવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. જેમાં ઉમેદવારો 2 સપ્ટેમ્બર સુધી પોતાના ફોર્મ બોર્ડની કચેરી ખાતે જમા કરાવી શકશે. ઉમેદવારીપત્રો જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ બોર્ડની કચેરી ખાતે 20 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન મળી રહશે. આમ, 2 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ એક પણ ફોર્મ સ્વિકારવામાં આવશે નહીં.
ફોર્મ ભરાઈને મળ્યા બાદ 3 સપ્ટેમ્બરના રોજ ચકાસણી હાથ ધરવામાં આવશે. જેમાં માન્ય રહેલા ફોર્મ અને અમાન્ય રહેલા ફોર્મની વિગતો સાથે સંવર્ગવાર નોંધાયેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ યાદી પ્રસિદ્ધ થયા બાદ 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પુર્ણ થયા બાદ 10 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી જંગમાં બાકી રહેલા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. આમ, 10 સપ્ટેમ્બરના રોજ કયા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂૂ કરવામાં આવશે. ઉમેદવારોને પ્રચાર માટે પંદર દિવસ જેટલો સમય મળી રહેશે. 24 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ બોર્ડના 9 સભ્યોને ચૂંટવા માટે મતદાન થશે. મતદાન પુર્ણ થયા બાદ બે દિવસ પછી એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.