ગીર ઇકો સેન્સેટિવ ઝોનમાં ખેડૂતોને હેરાનગતિ થશે તો ઉગ્ર આંદોલન
ત્રણ જિલ્લાના ખેડૂતોએ જૂનાગઢ સીસીએફને આપેલું આવેદન
જુનાગઢ ભારતીય કિસાનો સંઘ તેમજ ખેડૂતો અને વન વિભાગના સીસીએફ વચ્ચે બેઠક મળી હતી. જેમાં હાલમાં જાહેર કરવામાં આવેલા ઈકો સેન્સેટીવ ઝોનનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ભારતીય કિસાન સંઘ દ્વારા જુનાગઢ સીસીએફને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, જે ખેડૂતો ફોરેસ્ટ વિભાગમાં ખેતીવાડી રીત કનેક્શન માંગે છે તે ખેડૂતોની એફસીએ કરવાની હોય છે ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ કોટેશન આપવાને કોટેશનના નાણા જીઈબી ના ભરે ત્યાં સુધી ખેડૂતોને વીજ કનેક્શન મળતું નથી. અત્યારે વહેલી તકે ખેડૂતોને વીજ કનેક્શન મળે તે માટે સરકારમાં દરખાસ્ત મોકલવી જોઈએ. ખેડૂતોને પોતાના ખેતરમાં એક ખેતરથી બીજા ખેતરમાં પાણી લઈ જવા માટે પાઇપલાઇન નાખવાની મંજૂરી વન વિભાગ દ્વારા વહેલી તકે આપવી જોઈએ તેમજ તેના ખર્ચના કોટેશન ખેડૂત ના ભરી શકે તેટલા આપવામાં આવે તે માટે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ.વન્ય પ્રાણીઓ જેવા કે ભૂંડ રોજ દ્વારા ખેડૂતોના ખેતરમાં મોટાપાયે નુકસાની કરે છે. આ મામલે વન વિભાગ દ્વારા વળતર કે સહાયની યોજના અમલમાં આવે તે માટે પ્રધાનમંત્રી વીમા યોજના મુજબની દરખાસ્ત રજૂ કરવા વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી જોઈએ. ગીર જંગલ વિસ્તારમાં ખેડૂતોને પોતાના જ ખેતરમાં આવવા જવા માટે વન વિભાગ દ્વારા વારંવાર ગત કરવામાં આવે છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ વન વિભાગના સીસીએફ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ મામલે ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ થયેલા ગામડાઓના ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ભારતીય કિસાન સંઘ વિરોધ કરવા મેદાને આવ્યું છે. આવનાર દિવસોમાં આ ઈકો સેન્સિટીવ ઝોન લાગુ કરવામાં આવે તો ખેડૂત અને ખેતીને બચાવવો પડે તેમ છે. ખેડૂતોના ભોગે કોઈપણ વિકાસ થઈ શકે નહીં. આમ જોવા જઈએ તો ખેડૂતો થકી વન્ય પ્રાણીઓનો વિકાસ થાય છે. જ્યારે વન વિભાગ દ્વારા જો ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે ખેડૂતોએ ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવો પડશે. જેને લઇ વન વિભાગને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
અમરેલીના વસંતભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, ઇકો સેન્સિટિવ ઝોનમાં જંગલ વિસ્તાર વધારવામાં આવ્યો છે. જેને લઇ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે જંગલના પ્રાણીઓની વસ્તી વધી રહી છે ત્યારે આ કાયદો લાગવાનું કારણ શું છે. ખેડૂતો જ્યારે પોતાના ખેતર નજીક કામ કરે છે ત્યારે વન વિભાગ કામ પણ કરવા દેતું નથી. ખેડૂતોના ખેતરમાં જ્યારે રોજ અને ભૂંડ દ્વારા પાકને નુકસાન કરવામાં આવે છે ત્યારે વન વિભાગ દ્વારા ખેડૂતો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોને જે નુકસાન પહોંચાડવામાં આવે છે તેનું રોજ કામ કરી ખેડૂતોને યોગ્ય સહાય કરવામાં આવે તેવી પણ આજે વન વિભાગ પાસે માંગ કરવામાં આવી છે.અને ખેડૂતો દ્વારા ઇકો સેન્સેટિવ ઝોન મામલે વિરોધ કરવામાં આવ્યો છે.
પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા પણ વિરોધમાં
ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જો આ કાયદો પસાર થઈ જશે તો ખેડૂતોને ખુબ મોટુ નુકસાન થશે. આવનારી પેઢીને સહન ન કરવું પડે એના માટે આજે ખેડૂત પુત્ર તરીકે મારે અવાજ ઉઠાવવો પડે છે. આગળ પણ મે આને લઈ વિરોધ નોંધાવ્યો હતો. અમને ગીર બોર્ડરના ખેડૂતોને સિંહ પ્રત્યે કોઈ વિરોધ છે જ નહીં.
વન્ય પ્રાણી કરતા માણસોની સુવિધા વધુ જરૂરી: સંઘાણી
આ મામલે હવે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી પણ ખુલીને સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારે ફરી વિચાર કરીને નિયમોમાં બદલાવ કરવા જોઈએ. વન્ય પ્રાણી કરતા માણસોની સુવિધા વધુ જરૂૂરી છે. તેમણે કહ્યું કે, નિયમોમાં ફેરફાર કરવા પડે તે માટે મજબૂર કરીશું. ઈકો સેન્સિટિવ ઝોનમાં ફેરફાર કરવા એ સમયની માગ છે. ગામડાઓને સુરક્ષિત કરવા જે કરવું પડશે તે કરીશું. દિલીપ સંઘાણીએ આગળ કહ્યું કે, ખેતીને અવરોધક પરિબળો પર અવરોધ નહીં ચલાવી લઈએ. જંગલખાતાનાં જંગલી નિયમોને બદલવાની જરૂૂર છે. છેલ્લા 2 વર્ષમાં 34 લોકોનાં મોત વન્યપ્રાણીને કારણે થયા છે.
કોઈ મુશ્કેલી હશે અથવા પ્રશ્નો હશે તો રજૂઆતો સાંભળવામાં આવશે : વનમંત્રી
જ્યારે બીજી તરફ આ વિવાદ અંગે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 10 કિલો મીટરનો એરિયા હતો. નવા ઇકો સેન્સ્ટિવ ઝોનમાં વિસ્તાર ઘટ્યો છે. સિંહોના સંવર્ધન માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. આગામી 60 દિવસ સુધી તમામ રજૂઆતો સાંભળવામાં આવશે. વનમંત્રીએ આગળ કહ્યું કે, સ્થાનિક પ્રતિનિધિને આ અંગે માહિતગાર કર્યા છે. કોઈ મુશ્કેલી હશે અથવા પ્રશ્નો હશે તો રજૂઆતો સાંભળવામાં આવશે.