વડોદરા હરણી બોટ કાંડમાં વિનોદ રાવ અને એચ.એસ.પટેલ સરકાર સામે સુપ્રીમમાં
વડોદરામાં ગત જાન્યુઆરી માસમાં 14 બાળકોનો ભોગ લેનાર હરણી તળાવ બોટ દુર્ઘટના કાંડમાં હાઈકોર્ટના ડાયરેકશનના આધારે રાજ્ય સરકારે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર એચ.એસ.પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય પગલાં ભરવા નોટિસ કાઢતા આ બન્ને અધિકારીઓએ રાજ્ય સરકારે આપેલી નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકારતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
વડોદરાના ચકચારી કેસમાં તપાસ માટે નિમાયેલી સમિતિએ અગાઉ બન્ને અધિકારીઓને કલીનચીટ આપી હતી પરંતુ હાઈકોર્ટે ગત તા.3-7-24નાં રોજ બન્ને તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નરોને જવાબદાર ઠેરવી તેની સામે પગલાં ભરવા નિર્દેશ આપ્યો હતો અને તપાસનીશ સમિતિએ હાઈકોર્ટમાં રજુ કરેલો રિપોર્ટ ફગાવી દીધો હતો. આ ઉપરાંત આગામી મુદતમાં બન્ને અધિકારીઓ સામે શું પગલાં ભર્યા તેનો રિપોર્ટ રજુ કરવા પણ હાઈકોર્ટે સરકારને તાકીદ કરી હત.ી
હાઈકોર્ટના આ ડાયરેકશનના પગલે રાજ્ય સરકાર દ્વારા વડોદરાના બન્ને તત્કાલીન મ્યુનિ.કમિશ્નર એચ.એસ.પટેલ (રિટાયર્ડ) તેમજ વિનોદ રાવ ( હાલ શ્રમ વિભાગ) સામે શિસ્તભંગના પગલાં ભરવા નોટિસ ફટકારી હતી. જેને બન્ને અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકારી પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી છે. આમ સરકારની નોટિસને બે સનદી અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકારતા અધિકારી વર્ગમાં ભારે ચર્ચા જાગી છે.