For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંત

10:26 AM Jun 14, 2025 IST | Bhumika
વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા  નિવાસે કરૂણ કલ્પાંત

ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, રામનાથપરા સ્મશાનગૃહમાં થશે અંતિમવિધિ, રમેશ પારેખ રંગ ભવનમાં શોકસભા યોજવા તૈયારી

Advertisement

રાજકોટનાં માજી ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન થતા સમગ્ર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. ગઇકાલે તેમના પત્ની અંજલીબેન રૂપાણી લંડનથી ગાંધીનગર નિવાસ સ્થાને આવી પહોંચ્યા બાદ આજે વહેલી સવારે તેના પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી ત્યાથી સીધા જ ગાંધીનગર નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ગાંધીનગર નિવાસે અંજલીબેન રૂપાણી અને તેના પુત્રના મિલન સમયે માતા - પુત્રનાં હૈયાફાટ રૂદનથી કરૂણાસભર દ્રશ્યો સર્જાયા હતા. બંગલે ઉપસ્થિત મોટી સંખ્યામા આગેવાનોની આંખો પણ આ દ્રશ્ય જોઇ ભરાઇ આવી હતી. અનેક આગેવાનો અને નેતાઓ પણ ધ્રૃસ્કે ધ્રૃસ્કે રોતા નજરે પડયા હતા.

વિમાન દુર્ઘટનામાં સ્વ. વિજયભાઇનો પાર્થિવદેહ સંપુર્ણ પણે બળી ગયો હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમા તેમના મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવામા આવી રહયા છે. ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામા આવનાર છે. હાલ મૃતદેહ કયારે સોપાશે તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી. પરંતુ ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ તુરંત જ મૃતદેહ સોંપવામા આવનાર હોવાનુ જણાવાય રહયુ છે.

Advertisement

હાલ સ્વ. વિજયભાઇનાં ગાંધીનગર ખાતેનાં નિવાસેથી માલ - સામાન રાજકોટ શીફટ કરવાનુ શરૂ કરી દેવામા આવ્યુ છે. તેમના પુત્ર ઋષભ રૂપાણીના હસ્તે જરૂરી ક્રિયાઓ પુર્ણ કર્યા બાદ પાર્થિવદેહ રાજકોટ લાવવા માટે ખાસ શબવાહિનીની પણ વ્યવસ્થા ગાંધીનગર ખાતે કરી લેવામા આવી છે. તમામ ભાજપનાં નેતાઓ અને મોટી સંખ્યામા કાર્યકરો ગાંધીનગરમા તેમનાં નિવાસ સ્થાને ભારે શોકગ્રસ્ત હાલતમા જોવા મળી રહયા છે.
બીજી તરફ સ્વ. વિજયભાઇની અંતિમવિધી રાજકોટમા કરવા માટે શહેર ભાજપનાં હોદેદારો અને અધિકારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. સ્વ. વિજયભાઇનો પાર્થિવદેહ સોંપવામા આવ્યા બાદ રાજકોટ ખાતે તેમના સ્થાને લાવવામા આવશે અને નિવાસ સ્થાને જ અંતિમ દર્શન બાદ તેમની અંતિમયાત્રા નિકળશે અને અંતિમવિધી રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે કરવાનુ નકકી કરવામા આવ્યુ હોય રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે પણ આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.

આ ઉપરાંત સ્વ. વિજયભાઇની શોક સભાનું આયોજન શહેરના રેસકોર્ષ મેદાન ખાતે આવેલ રમેશ પારેખ રંગભવન ખાતે કરવામા આવનાર છે. આ માટે પણ શહેર ભાજપના હોદેદારો તથા અધિકારીઓ દ્વારા રંગભવનમા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. શોકસભામા અને અંતિમયાત્રામા સૌરાષ્ટ્ર - ગુજરાતભરમાથી કાર્યકરો અને તમામ ક્ષેત્રના લોકો ઉમટી પડે તેવી ધારણા હોવાથી શહેરમા ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા માટે પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામા આવી છે.

હાલ સ્વ. વિજયભાઇનો પાર્થિવદેહ સોંપવામા આવે ત્યારબાદ સ્મશાન યાત્રા અને અંતિમવિધી સહિતના અંતિમ કાર્યક્રમો નકકી કરવામા આવનાર છે. હાલ આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.

ભાજપના તમામ નેતાઓ ગાંધીનગર બંગલે હાજર
સ્વ. વિજયભાઇ રૂપાણીનો પાર્થિવદેહ આજે સાંજ સુધીમા ગમે ત્યારે સોંપવામા આવનાર હોય ભાજપના તમામ પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો અને પ્રધાનો ગાંધીનગર ખાતેનાં સ્વ. વિજયભાઇના નિવાસ સ્થાને ઉપસ્થિત છે. પાર્થિવદેહની સોંપણી બાદ આગળનાં કાર્યક્રમો નકકી કરવામા આવનાર હોય ભાજપના તમામ નેતાઓ પણ સ્મશાનયાત્રામા હાજરી આપવા માટે રાજકોટ આવી પહોંચનાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement