પાટડીમાં દુષ્કર્મપીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, આરોપીની શોધખોળ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. પેટમાં દુખાવો ઉપડતા સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સગીરાએ અધૂરા માસે મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે આરોપી સામે પાટડી પોલીસ મથકે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, દસાડા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની 14 વર્ષ, 6 માસ અને 12 દિવસની સગીરાને 5 ડિસેમ્બર, 2025ના રોજ અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેને સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તપાસ દરમિયાન સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવતા તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સગીરાએ પાંચ માસના મૃત બાળકને જન્મ આપ્યો હતો. પરિવારજનો દ્વારા પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું કે, ગામમાં દુકાન ધરાવતા અજીત ઉર્ફે જીતો મણાભાઈ ઠાકોર તેને દુકાને ખરીદી કરવા ગઈ ત્યારે હાથ પકડીને ઘરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સગીરાના પિતાએ આ ઘટના અંગે અજીત ઠાકોર સામે પાટડી પોલીસ મથકે પોક્સો એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ બી.સી. છત્રાલીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ આરોપી અજીત ઠાકોર ફરાર થઈ ગયો છે.