બેન્કને ભેળસેળિયું સોનુ ધાબડી 97 લાખની છેતરપિંડી
દ્વારકાની એક્સિસ બેન્કમાં સોની દ્વારા ખોટો વેલ્યુએશન રિપોર્ટ બનાવાયો: 19 સામે ફરિયાદ
દ્વારકામાં આવેલી એક્સિસ બેન્કમાં કેટલાક શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરું રચીને બેંકને નબળી ગુણવત્તાવાળું સોનું આપી અને તેના પર લોન મેળવી લેવા સબબ કુલ 10 આસામીઓ સામે બેંકના મેનેજરે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકામાં ભદ્રકાલી ચોક પાસે આવેલી એક્સિસ બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મૂળ જામનગરના રહીશ એવા યોગેશકુમાર દિનેશચંદ્ર વાગડીયા (ઉ.વ. 45) એ દ્વારકામાં રહેતા ભલા નાથા ખાંભલીયા, એસ.કે. મુસ્તફા, અજીમ હફીજ મુલ્લા, ભીમ બીજલી, રાજેશ ધોરીયા, કાદર રહીમ અલી, અકીબ અજીમ મુલ્લા, રજીયા અજીમ મુલ્લા, સોમા ભીખા નાગેશ (એક્સિસ બેન્કના વેલ્યુઅર)અને અક્ષય ગોરધનદાસ ધાણક સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ 2020 થી 2021 ના સમયગાળા દરમિયાન સમયાંતરે આરોપીઓ દ્વારા આર્થિક લાભ લેવાના હેતુથી એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન લેવાનું સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં ઓછા કેરેટના અને નબળી ગુણવત્તાવાળા સોનાને બેંકમાં લોન લેતી વખતે રજુ કરી અને ત્યારબાદ એક્સિસ બેન્ક (દ્વારકા શાખા) દ્વારા જે-તે સમયે નિમવામાં આવેલા વેલ્યુઅર એવા આરોપી અક્ષય ગોરધનદાસ ધાણકએ ઓછા કેરેટનું ગોલ્ડ વધુ કેરેટનું અને સારી ગુણવત્તાનું હોવાનું જણાવી અને ખોટો વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીતે લોનધારક આસામીઓ સાથે મિલીભગત કરીને તેઓએ ગોલ્ડનો ખોટો બોગસ વેલ્યુએશન રિપોર્ટ બેંક સમક્ષ ખરા તરીકે રજૂ કર્યો હતો.
આ પ્રકારે બેંકમાં જુદી જુદી રીતે ગોલ્ડ લોન પેટે કુલ રૂૂપિયા 97,17,900 ની માતબર રકમ ઉપાડી લઈ, અને એક્સિસ બેન્ક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ 10 શખ્સો સામે આઈ.પી.સી. કલમ 120 (બી), 406, 420, 467, 468 તથા 471 મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ દ્વારકાના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જુગાર રમતા ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા ગતરાત્રીના કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે અહીંના ધરારનગર પાણીના ટાંકા પાસે રહેતા કુંદનબેન કલ્યાણજીભાઈ આરંભડીયા નામના 47 વર્ષના મહિલા દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ચલાવવામાં આવતા જુગારના અખાડામાં પોલીસે દરોડો પાડયો હતો.
આ સ્થળેથી પોલીસે કુંદનબેન કલ્યાણજીભાઈ આરંભડીયા, હેતલબેન પ્રવીણભાઈ બદીયાણી, આશાબેન હિતેશભાઈ કાનાણી, ગીતાબેન રમેશ સોઢા, લાખીબેન ઉર્ફે જીવાબેન સામરા ધારાણી અને હિતેશ વલ્લભદાસ કાનાણી નામના કુલ છ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
આ દરોડા દરમિયાન પોલીસે રૂૂપિયા 60,350 ની રોકડ રકમ અને રૂૂપિયા 30 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન તથા રૂૂપિયા 60,000 ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 1,50,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. નિકુંજ જોષી, પી.એસ.આઈ. વી.આર. વસાવા, યોગરાજસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા અને ભરતભાઈ જમોડ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
બસમાંથી મૃતદેહ મળ્યો
ખંભાળિયામાં સલાયા ચાર રસ્તા પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના સુલતાનપુર ગામના ધર્મેન્દ્રભાઈ દિલીપભાઈ ગામડ (ઉ.વ. 36) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉપરોક્ત યુવાનનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજવા અંગેની જાણ મધ્યપ્રદેશના ગંગાનગર ખાતે રહેતા પ્રવીણભાઈ નંદકિશોરજી દેવડા (ઉ.વ. 46) દ્વારા ખંભાળિયા પોલીસને કરવામાં આવી છે. જે અંગે પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.