સુરતના ડિંડોલીમાં દુર્ગા પૂજામાં અશ્ર્લિલ ડાન્સ સાથે ઠુમકાનો વીડિયો વાયરલ
પરપ્રાંતીય યુવાનોએ આયોજન કર્યુ હતું, પોલીસ તપાસ શરૂ
સુરતમાં દુર્ગા પૂજામાં યુવતીનો ડાન્સ જોવા લોકોના ટોળા એકઠા થયા હતા અને પરપ્રાંતીય યુવાનોએ આ દુર્ગા પૂજાનું આયોજન કર્યુ હોવાની વાત સામે આવી છે, વીડિયો વાયરલ થતાં ભક્તોની લાગણી દુભાઇ છે અને રંગીન રોશનીમાં બનાવેલા સ્ટેજ ઉપર યુવતી ઠૂમકા લગાવતી જોવા મળી હતી અને લોકો વીડિયો બનાવી રહ્યાં હતા. આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ડિંડોલી વિસ્તારની એક સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવાનોએ નવરાત્રિનું આયોજન કર્યુ છે, પરંતુ નવરાત્રિમાં ધાર્મિક ગરબા નહીં પરંતુ બનાવેલા સ્ટેજ ઉપર હિન્દીભાષી યુવતીઓના બીભત્સ નાચગાન ચાલી રહ્યા હતા. જેના પગલે ભાવિક ભક્તોની લાગણી દુભાઈ રહી છે. સુરત શહેર ગુજરાતની આર્થિક પાટનગર તરીકે ઓળખાય છે. આ શહેરમાં સંસ્કાર અને ધાર્મિક સંસ્કૃતિની જાળવણી રાખવા તત્પર છે, ત્યારે ડિંડોલીની એક સોસાયટીમાં રહેતા હિન્દીભાષી યુવાનોએ નવરાત્રિમાં ધાર્મિક સંસ્કૃતિની ઐસીતૈસી કરીને ગરબાના નામે બીભત્સ ગીત ઉપર નાચગાન કરવા યુવતીઓને બોલાવવામાં આવી હતી.
આ યુવતીઓ ભોજપુરી અને બિહારી ભાષામાં ગીત સંગીત અને રંગીન રોશની સાથે ઠૂમકા સાથે ખાસ બનાવેલ સ્ટેજ ઉપર ડાન્સ આકર્ષણરૂૂપ બન્યો છે. ગરબાના નામે નાચગાન જોવા લોકો ઉમટી પડે છે. આ ડાન્સ સામે ધાર્મિક લાગણી દુભાય છે. માતાજીની આરાધના કે ગરબા નહીં કરીને જાણે ભાન ભૂલીને સંસ્કૃતિ અને સભ્ય સમાજના મૂલ્યો માટે લાંછનરૂૂપ છે. યુવતીઓના ડાન્સ સાથે ગીતમાં અમુક શબ્દો અને ભાવ એવા હોય છે કે જેને સાંભળીને શરમ લાગે છે, પરંતુ આયોજકો બેફામ બનીને પોલીસની આંખમાં ધૂળ નાંખી રહ્યા છે. ડિંડોલી પોલીસે સોશિયલ મીડિયામાં ફરતા વીડિયો અંગે તપાસ કરીને આયોજકો સામે કાર્યવાહી શરૂૂ કરી છે.