SRP જવાને સાળી અને ભાણેજના ત્રાસના કારણે આપઘાત કર્યાનો વીડિયો વાયરલ
માતા-પિતાની જમીન-મકાનમાં જે ભાગ છે તેમાં હુ મરી જાઉં તો પત્નીનો કોઇ હકક નહી, એસઆરપી જવાનનો વીડિયોમાં ઉલ્લેખ
રાજકોટની પોલીસ કમિશનર કચેરી ખાતેના મુખ્ય એટલે કે ગેઇટ નં. 3 ઉપર ફરજ બજાવતા એસઆરપીના કોન્સ્ટેબલ ગજુભા જીલુભા રાઠોડ (ઉ.વ.50)એ પરોઢિયે પોતાની સર્વિસ રાઇફલમાંથી છાતીમાં ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી હતી. પારિવારિક કારણોસર આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.
આપઘાત કરનાર ગજુભા રાઠોડે અંદાજે છ માસ પહેલા બનાવેલો વિીડિયો પોલીસ પાસે પહોંચ્યો છે. જેમાં તે એવું કહેતા સંભળાય છે કે ‘મારા હોશમાં આ બધું કઉં છું, ગમે ત્યારે હું મરી જાઉં, બને તો હું ઘરેથી સોગંદનામું કરી આવીશ, અમારી નોકરી ઈ ટાઈપની છે કદાચ રજા મળે કે ન મળે, મારા માતા-પિતાનો જમીન-મકાનમાં જે ભાગ આવ્યો તેમાં મારે કાંઈ લેવા-દેવા નથી. મારે અને મારી પત્નીને બનતું નથી. હું મરી જાઉં તો મારી પત્નીનો હક્ક નહીં અને મારો પણ હક્ક નહીં.
મારી પત્ની મારી સાથે રહેતી નથી, એની માતાના ઘરે રહે છે, મારા મોતના જવાબદાર બે જ વ્યક્તિ છે, એક એને બહેન કિરણબા કે જે મને માનસિક ટોર્ચર કરે છે, બીજો એનો ભાણેજ જયપાલ કે જે મને ધમકી આપે છે, મરી જાઉં પછી મારું બધું મારાભાઈ અને બહેનને જશે, મારી પત્નીનો તેમાં કોઈ હક્ક-હિસ્સો નથી.ઉલ્લેખનીય છે કે આ વીડિયો પરથી કોન્સ્ટેબલ ગજુભાએ ઘણા સમયથી આપઘાત કરવાનું વિચારી લીધાનું તારણ પોલીસે કાઢ્યું છે.વીડિયોના આધારે પ્ર. નગર પોલીસે તપાસ આગળ ધપાવી છે.