VIDEO: 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો...' કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!
અમરેલીના લેટરકાંડમાં એક યુવતીની ધરપકડ કરાયા બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા પર ફેરવતાં રાજ્યભરમાં ભારે વિવાદ થઇ રહ્યો છે. જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે આ મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા આક્રમક જોવા મળ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર પર પટા મારી માફી માગી હતી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે અમરેલીની દીકરીને પોલીસે જે પટા માર્યા છે એ પટા આજે હું જાહેરમાં ખાઈશ. ઈટાલિયાએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. લોકોને પણ કહ્યું કે તમે અમને મત ભલે ન આપો, પણ તમારો આત્મા જગાડો.
https://x.com/Gopal_Italia/status/1876198615682531688
આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની બજાર ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે અમે અલગ અલગ ઘટનામાં બહુ કોશિશ કરી, પણ અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ છે, હું માફી માગું છું. અમરેલીમાં દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાત આખાનો આત્મા જાગવો જોઈએ. દીકરીને પોલીસ પટ્ટા કઈ રીતે મારે. આ સજા મને મળવી જોઈએ. દોસ્તો અમે ન્યાય નથી અપાવી શક્યા એનો અફસોસ થાય છે. હું ગુજરાતનો આત્મા જગાડવા માગું છું. કોઈ અમને મત ન આપતા, પણ દીકરીને ન્યાય અપાવવા તમારો આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન દેતા.
તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબીકાંડ, અગ્નિકાંડ, સરઘસકાંડ, હરણી બોટકાંડ, પેપરલીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા, ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે. ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે તેવું જણાવ્યું હતું. ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાની જાતને પટ્ટા મારતા સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતના અમરેલીમાં લેટર કાંડ બાદ પાટીદાર યુવતી સામે થયેલી પોલીસની કામગીરી બાદ સુરત સહિત ગુજરાતમાં પડધા પડી રહ્યાં છે તેમાં પણ યુવતીએ ધારાસભ્યને લખેલા પત્ર બાદ ગુજરાતભરતમાંથી પાટીદાર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.