લગ્ન રજિસ્ટ્રેશન માટે વીડિયો કોલિંગ ફરજિયાત
પતિના મૃત્યુ બાદ પત્નીએ તંત્રને અંધારામાં રાખી મેરેજ સર્ટી કઢાવી લેતા તંત્ર ચોંકી ઉઠ્યું
હવેથી પતિ અથવા પત્ની કોઈ પણ એકની હાજરી હશે ત્યારે નવા નિયમની અમલવારી
લગ્ન થયા બાદ મેરેજ સર્ટિફિકેટની હવે મોટાભાનગા સરકારી કામોમાં જરૂરિયાત ઉભી થતી હોય લગ્ન બાદ દંપતિ તુરંત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે લગ્ન રજીસ્ટ્રેશન સર્ટી માટે જતાં હોય છે. ત્યારે અમુક વખતે પતિ અથવા પત્ની બેમાંથી એક વ્યક્તિ ગેરહાજર હોય તો ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે બન્નેની હાજરી ફરજિયાત હોવાના નિયમો હેઠળ સમસ્યા સર્જાતી હતી જેથી પતિ અથવા પત્ની કોઈ પણ એક લગ્ન નોંધણી માટે જઈ શકે તેવો નિયમ અમલમાં મુકેલ પરંતુ એક મહાનગરપાલિકામાં પતિના મૃત્યુ બાદ પત્નીએ મેરેજ સર્ટી કઢાવી લેતા આ બનાવની જાણ તંત્રને થતાં ચોંકી ઉઠ્યુ હતું અને હવે પતિ અથવા પત્ની લગ્ન નોંધણી માટે કચેરીએ જાય ત્યારે બીજાની હાજરી માટે વીડિયો કોલીંગ ફરજિયાત બનાવવામાં આવી છે.
મહાનગરપાલિકાની લગ્ન નોંધણી વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ લગ્ન બાદ પતિ-પત્ની સાથે મેરેજ સર્ટી કઢાવવા માટે કચેરીએ આવતા હતાં ત્યાર બાદ અમુક કિસ્સામાં પતિ અથવા પત્ની હાજર ન હોય તો તેઓને ધરમનો ધક્કો થતો હતો જેના લીધે નિયમોમાં ફેરફાર કરી પતિ અથવા પત્ની કોઈ પણ એક વ્યક્તિ હાજર હોય તો પણ નિયમ મુજબના ડોક્યુમેન્ટના આધારે વેરીફીકેશન કર્યા બાદ લગ્ન નોંધણી કરવામાં આવતી હતી. પરંતુ એક મહાનગરપાલિકામાં થોડા સમય પહેલા બનાવ બનેલ જેમાં પતિના મૃત્યુ બાદ પત્નિએ સરકારી કામ અંતર્ગત મેરેજ સર્ટીની જરૂરિયાત ઉભી થતાં પતિની ગેરહાજરીમાં એક વ્યક્તિના નિયમનો ગેરલાભ ઉઠાવી મેરેજ સર્ટી કઢાવી લીધું હતું. જેનો પર્દાફાશ થતાં સરકાર ચોંકી ઉઠેલ અને લગ્ન નોંધણી માટે પતિ અથવા પત્ની બેમાંથી એક વ્યક્તિ હાજર હોય ત્યારે બીજાની હાજરી બતાવવા ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે અધિકારીની હાજરીમાં વીડિયોકોલીંગ કરી બીજી વ્યક્તિની હાજરી બતાવવી પડશે અને આ નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયામાં આધારકાર્ડ, લગ્ન કંકોત્રી, ગોરઅદાનું આધારકાર્ડ, લગ્ન સમયના ફોટા, સોગનનામું સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તેમાં પણ અમુક વઘત અમુક ડોક્યુમેન્ટ ન હોવાથી ઘાલમેલ કરવામાં આવતી હોય છે. તેની સામે તંત્ર આંખ આડા કાન પણ કરી રહ્યું છે. પરંતુ પતિ અથવા પત્ની બેમાંથી એકનું મૃત્યુ થયું હોય અને મેરેજ સર્ટી કાઢવામાં આવ્યું તે ગંભીર બાબત કહેવાય છે. જેથી એક બનાવ બન્યા બાદ હવે તમામ મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતો સહિતના જ્યાં મેરેજ સર્ટી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાય છે તે તમામ સ્થળે નવા નિયમની અમલવારી શરૂ કરવામાં આવી છે.
ફક્ત રૂપિયા 450માં જ લગ્ન નોંધણી: લોકો છેતરાય નહીં
મનપાના લગ્ન નોંધણી વિભાગમાં અધિકારીના જણાવ્યા મુજબ મેરેજ સર્ટી હવે અનિવાર્ય વસ્તુ બની ગયેલ હોય દરેક નવ યુગલ લગ્ન બાદ તુરંત લગ્ન નોંધણી કરાવી મેરેજ સર્ટી કઢાવવા માટે મહાનગરપાલિકાની કચેરીએ આવતા હોય છે. પરંતુ કચેરી બહાર ઉભા રહેતા દલાલો તેમજ અમુક વકિલો દ્વારા આ દંપતિઓને ગેરમાર્ગે દોરી ઘટતા કાગળો કરી આપવાની ખાતરી આપી રૂપિયા 3000 થી રૂા. 4000ની ફી વસુલવામાં આવી રહી છે. જે ગેરબંધારણીય છે. આથી દરેક યુગલે લગ્ન નોંધણી માટે ફક્ત મનપાના આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેમજ આરોગ્ય વિભાગના લગ્ન નોંધણી વિભાગમાં ફક્ત રૂા. 400 ભરવાથી મેરેજ સર્ટી ઉપલબ્ધ થઈ શકે છે આથી કચેરીની બહાર બેસતા દલાલો તેમજ અમુક ચોક્કસ વકીલોની વાતોથી છેતરાવું નહીં તેવું અનુરોધ કરવામાં આવ્યો છે.