ઝૂલતા પુલકાંડની તપાસ સીબીઆઈને સોંપવા પીડિતોની માંગ
રાજ્યમાં મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે તે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાય યાત્રા શરુ કરવામાં આવનાર છે જેમાં પીડિત પરિવારો ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા અને જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો જોડાશે. કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં અનેક કાંડ થયા છે સુરતનો તક્ષશિલા કાંડ, વડોદરાનો હરણી કાંડ, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના અને રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં 240 થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે જે ભાજપના ભ્રષ્ટાચારના કારણે હોમાયા છે.
પીડિત પરિવારોને ન્યાય મળે તેવા હેતુથી તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમની વિવિધ માંગણીઓ જેવી કે સીબીઆઈને તપાસ સોપાય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને પીડિત પરિવારને યોગ્ય વળતર મળે સહિતની માંગણીઓને ટેકો જાહેર કર્યો હતો પીડિત પરિવારોને ન્યાય અપાવવા તા. 09 ઓગસ્ટથી ગુજરાત ન્યાય યાત્રા શરુ કરાશે જેનો મોરબીથી પ્રારંભ થશે. જે ન્યાયયાત્રા મોરબીથી શરુ કરી ગાંધીનગર સુધી જશે જેમાં વિવિધ સ્થળે સર્જાયેલ દુર્ઘટનાના પીડિત પરિવારો તેમજ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો જોડાશે 09 ઓગસ્ટથી શરુ કરી ન્યાયયાત્રા તા. 22-23 ઓગસ્ટ સુધી ચાલશે અને 300 કિમીની યાત્રા યોજાશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. ખેડૂત નેતા અને કોંગ્રેસ અગ્રણી પાલભાઈ આંબલીયા પણ આજે મોરબી પધાર્યા હતા જેને મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકાર જે કમિટી બનાવે છે તે ક્લીન ચીટ આપવાની કમિટી સમાન બની રહે છે રાજકોટવાસીઓએ બંધ પાળતા સરકારને પ્રેશર આવ્યું અને ચાર ચાર કમિટીઓ બનાવી છે જોકે એકપણ કમિટી રાજકોટના અધિકારીએ જન્મદિવસ ઉજવ્યો હતો તેની તપાસનો ગાળિયો કસી સકી નથી કહીને સરકારની કાર્યપ્રલાણી પર સવાલો ઉઠાવ્યા હતા ઝૂલતો પુલ દુર્ઘટનાના પીડિત પરિવારના જગદીશ પરમારે જણાવ્યું હતું કે પીડિત પરિવારો ન્યાય યાત્રામાં જોડાશે કોર્ટ સમક્ષ ફરી તપાસની માંગ કરી છે, સીબીઆઈ તપાસ કરવામાં આવે, 302 ની કલમ ઉમેરવા અરજી કરવામાં આવી છે અને મૃતકોને યોગ્ય વળતર મળે તેવી માંગણીઓ મૂકી છે.