વેવાઈએ રૂપિયાની માગણી કરી ધમકી આપતા આધેડે ફિનાઈલ પીધું
હત્યા કેસમાં જેલમાં રહેલા પુત્રને મારી નાખવાની ધમકી મળતા માતાએ એસિડ ગટગટાવ્યું
શહેરમાં સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગરમાં રહેતાં આધેડે વેવાઈએ રૂપિયાની માંગણી કરી ધમકી આપતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગરમાં રહેતાં દિપકભાઈ પરસોતમભાઈ મુલીયાણ (ઉ.52) પોતાના ઘરે હતા ત્યારે સાંજના અરસામાં ફિનાઈલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં દિપકભાઈ મુલીયાણાના પુત્રની હરેશભાઈ સિધ્ધપુરાની દીકરી સાથે સગાઈ કરી હતી. યુવતીની તબિયત લથડતા હરેશભાઈએ દિપકભાઈને તમે દિકરીને જેમ રાખો છો તેમ કહી તેના ઘરે મોકલી સારવાર કરાવી લીધી હતી અને રૂા.25000 દવાખાનાનો ખર્ચ આપ્યો ન હતો અને બાદમાં હરેશભાઈએ 10 ટકા લેખે વ્યાજે લીધેલા રૂપિયા એક લાખ ચુકવી દેવા દિપકભાઈ મુલીયાણાને કહેતા દિપકભાઈ મુલીયાણાએ રૂપિયા નહીં હોવાનું કહેતા વેવાઈએ ધાક ધમકી આપતાં ફિનાઈલ પી લીધું હોવાનો દિપકભાઈ મુલીયાણાએ આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ચુનારાવાડમાં રહેતી રિટાબેન મણીભાઈ નારોલા (ઉ.40) પોતાના ઘરે હતી ત્યારે એસીડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં રીટાબેનના પુત્ર મહેશ રણુજા મંદિર પાસે થયેલ મર્ડર અને ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. જેના સહ આરોપી મયો છે તેના ભાઈ કયલો ધમકી આપે છે કે ‘તારો દીકરો જેલમાંથી છુટે એટલે પતાવી દેવો છે’ જે ધમકીથી ડરી જઈ રિટાબેને એસીડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.