જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયા
કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ, ભાજપના પંકજ પાઘડાર સહિત તાલુકા પંચાયતમાં ચુંટાયેલા નેતાઓએ ઝાડુનો ખેસ પહેર્યો
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્રે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને આ વિસ્તારમાં મજબૂત પકડ જમાવી છે.
વિસાવદરથી ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ વિશાળ કાર્યક્રમ યોજાયો હતો, જેણે કેશોદના રાજકારણમાં હડકંપ મચાવી દીધો છે.
આ રાજકીય ગતિવિધિમાં સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ પંકજ પાઘડારનો રહ્યો છે, જેઓ સતત ત્રણ વખત પાલિકા પ્રમુખ રહી ચૂકેલા એમ.ડી. પાઘડારના પુત્ર છે. પંકજ પાઘડારે ભાજપ છોડીને આપનો ભગવો ધારણ કર્યો છે, જે ભાજપ માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.
આ ઉપરાંત, ભાજપના બે વર્તમાન તાલુકા પંચાયત સદસ્યો, નિલેશભાઈ અઘેરાં અને વાલભાઈ ગઢવી, પણ ખકઅ ગોપાલભાઈ ઇટાલીયાના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસને પણ કેશોદમાં મોટો આંચકો લાગ્યો છે, કારણ કે કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ ડાંગર પણ આપમાં જોડાઈ ગયા છે.
કેશોદ ખાતે ગોપાલ ઇટાલીયાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર મોટા રાજકીય ચહેરાઓ જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં વર્તમાન સરપંચો અને પૂર્વ સરપંચોએ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. પાયાના સ્તરેથી સમર્થન મેળવી રહી છે.
આટલી મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓના આપમાં જોડાવાથી કેશોદ સહિત જૂનાગઢ જિલ્લાના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. આગામી ચૂંટણીઓમાં આ ઘટનાની અસર સ્પષ્ટપણે જોવા મળશે, અને આપ માટે આ વિસ્તારમાં પોતાનું સ્થાન વધુ સુદ્રઢ કરવાની તક ઉભી થઈ છે.