રાજવી પરિવારની જમીનના છ કેસોનો ટૂંક સમયમાં ચુકાદો, આજે છેલ્લી સુનાવણી
આજના બોર્ડમાં કલેક્ટર દ્વારા 39 મહેસૂલી કેસોની સુનાવણી
રાજકોટના નવા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ મહેસૂલી અપીલના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે કમર કસી છે. તેમણે અધિકારીઓને તમામ કેસો વહેલી તકે નિકાલ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત, અઠવાડિયામાં બે દિવસ અપીલ બોર્ડ બોલાવવાનો નિર્ણય લેવાયો છે અને 600 જેટલા પેન્ડિંગ કેસોનો વહેલી તકે નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશના ભાગરૂૂપે, આજે, બુધવારે મળનારા અપીલ બોર્ડમાં કુલ 39 કેસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં ખાસ કરીને રાજકોટના રાજવી પરિવારના મિલકત સંબંધિત છ કેસોનો પણ સમાવેશ થાય છે. આ કેસો માધાપર અને સરધાર સહિતના વિસ્તારોના રેવન્યુ કેસો છે. આ કેસોનો ચુકાદો આગામી સમયમાં કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા જાહેર કરવામાં આવશે. આ કેસમાં આજે સંભવત: છેલ્લી મુદત આપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, રાજકોટના તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીની બદલી થતા ઠરાવ ઉપર લેવાયેલા 300 જેટલા કેસો ઠરાવામાં પેન્ડિંગ પડ્યા હતા. આ કેસોના નિકાલ માટે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ ચાર્જ સંભાળતાની સાથે જ સક્રિય બન્યા છે. તેમણે આ કેસોના નિકાલ માટે અઠવાડિયામાં બે દિવસ, બુધવારે અને ગુરુવારે, અપીલ બોર્ડ બોલાવીને સુનાવણી શરૂૂ કરાવી છે. આજે હાથ ધરાનારી સુનાવણીમાં રાજવી પરિવારના છ કેસોનો પણ સમાવેશ થાય છે, જેના ચુકાદા આગામી સમયમાં કલેક્ટર દ્વારા આપવામાં આવશે.