ભારે વરસાદના કારણે વેણુ, ફુલઝર ઉમિયા સાગર ડેમાના પાટિયા ખોલાયા
હેઠવાસમાં આવતા ગામલોકોને નદીમાં અવર જવર કરવા પર પ્રતિબંધ
ઉપલેટા જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના 7 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે, આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના નાગવદર, ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી અને નીલાખા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર-ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.
વરસાદની આવક વધતા જામનગર જિલ્લાના જામ જોધપુર તાલુકા પાસે આવેલ ઉામિયાસાગર જળાશયના અગાઉ 4 દરવાજા 0.6 મીટર ખોલેલ હતા. તેમા વધારો કરી હવે ચાર દરવાજા 1.2 મીટર કરાયા છે. જળાશયમા હાલનુ લેવલ 69.5 મીટર છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા જામ જોધપુર તાલુકાના સીદસર ગામ તથા ઉપલેટા તાલુકાના હરિયાસન ગામ તથા રાજકોટ ઉપલેટા તાલુકાના ચરેલીયા, ખરચીયા, રાજપરા તથા રબારિકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા યાદીમાં જણાવાયું છે.
વરસાદની આવક વધતા જામનગર જિલ્લાના જામ જોધપુર તાલુકા પાસે આવેલ ફુલઝર (કે.બી.) જળાશયના અગાઉ 2 દરવાજા 0.3 મીટર ખોલેલ હતા. તેમા વધારો કરી હવે બે દરવાજા 0.6 મીટર કરાયા છે. જળાશયમા હાલનુ લેવલ 94.85 મીટર છે. આથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ,ચરેલીયા, ખારચીયા, રાજપરા તથા રબારિકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા યાદીમાં જણાવાયું છે.