હિટ એન્ડ રનમાં ઘવાયેલા શાકભાજીના ધંધાર્થીએ દમ તોડ્યો
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન 15 દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ કરિયાણુ લેવા જતો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોપટપરા વિસ્તારમાં સેન્ટ્રલ જેલ સામે આવેલ સંતોષીનગર મફતીયાપરામાં રહેતા રાજાભાઈ રતિલાલ દુદકીયા નામનો 28 વર્ષનો યુવાન ગત તા.28 ના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ પોપટપરા સ્મશાન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વ જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ચાર ભાઈ બે બહેનમાં નાનો હતો અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતો હતો ઘટનાના દિવસે રાજા દાદુકીયા પોતાનું બાઈક લઈને કરિયાણું લેવા જતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.