રાજકોટ જિલ્લામાં મેગા લોક અદાલતમાં 39 હજાર કેસ રજૂ
કેસમાં સમાધાનથી નિકાલ થવાનું અનુમાન, ધોરાજીમાં અકસ્માત કેસમાં 1.15 કરોડનું વળતર ચૂકવાયું
લોક અદાલતમાં સમાધાનથી કેસ પૂર્ણ થાય તે તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ : સેક્રેટરી જોટાણિયા
રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં આજે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 39 હજાર કેસ સમાધાન રાહે નિકાલ કરવા માટે મુકવામાં આવ્યા હતાં. જેમાં સાંજ સુધીમાં 60 ટકાથી વધુ કેસનો સમાધાન રાહે નિકાલ થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. આજે યોજાયેલી મેગા લોક અદાલતમાં ધોરાજીનાં અકસ્માત વળતર કેસમાં સૌથી મોટુ રૂા.1.15 કરોડનું વળતર ચુકવવામાં આવ્યું હતું. લોક અદાલતમાં સમાધાનથી કેસ પૂર્ણ થાય તે તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટનાં સેક્રેટરી એચ.વી.જોટાણીયાએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશથી સમગ્ર રાષ્ટ્ર લેવલે તા.13 ને શનિવારના રોજ રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલુ તેના ભાગરુપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ ધ્વારા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે. આર શાહના માર્ગદર્શન અને સબળ નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં આજરોજ મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવેલુ છે.સદરહું લોક અદાલતને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે. આર. શાહ ના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી.સદરહું ઉદ્દઘાટન પ્રસંગે રાજકોટ હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશ , બાર એસોસીએશનના પ્રતિનિધિઓ, જુદી જુદી વિમા કંપનીના ઓફીસરો, વિધ્વાન વકીલઓ, પી.જી.વી.સી.એલ.ના અને વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્થિત રહેલ હતા.
આ પ્રસંગે રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ એચ. વી. જોટાણીયાએ લોક અદાલતથી પક્ષકારોને થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરૂૂપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શક્ય બનશે તે અંગે માહીતી આપેલ. વધુમાં મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શાહ એ લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવેલી અને જણાવેલ કે સમાધાનથી કેસ ફેંસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ કેસો સમાધાનથી ફેંસલ થાય તેવી અપેક્ષા છે.
સદરહું લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા બે મહીનાથી જુદી જુદી વિમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધિકારીઓ વિગેરે સાથે જુદી જુદી મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનું આયોજન કરી આજના દિવસે વધુમાં વધુ કેસો સમાધાન રાહે નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. આજના દિવસે જુદી જુદી કેટેગરીના 39000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાંથી 60% થી પણ વધુની સંખ્યામાં સમાધાનથી કેસોનો નિકાલ થાય તેવી આશા છે.