શાકભાજીના ભાવ તળિયે, ઊભો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનું વ્યાપક વાવેતર થાય છે. જો કે અત્યારે શાકભાજીના ભાવ 9઼0 ટકા સુધી ઘટી જતાં ખેડૂતોને મહેનત પ્રમાણે ખર્ચ પણ નથી નીકળી રહ્યો છે. જેના પગલે ખેડૂતો ઊભો પાક ઢોરને ખવડાવવા મજબૂર બન્યા છે. શાકભાજીની રોજિંદી જરૂૂરિયાતની વસ્તુ હોવાથી જિલ્લાના મોટાભાગના ખેડૂતો ફુલાવર, કોબિજ, રિંગણ, મેથી અને ટામેટાનું વાવેતર કરી રહ્યા છે.
જો કે શાકભાજીના ભાવ સાવ તળિયે 2 થી 4 રૂૂપિયા થઈ ગયા છે. જેના કારણે શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોની હાલત દયનિય બની છે. મોંઘાદાટ બિયારણો, દવાઓ, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચને બાદ કરીએ તો ખેડૂતોના હાથમાં કશું જ નથી બચતું. તેમની મહેનત પણ પાણીમાં જાય છે. અગાઉ ખેડૂતો દ્વારા પ્રાંતિજ પંથકમાંથી 300 ટન કરતાં વધુ ફુલાવર અમદાવાદ, સુરત, આણંદ અને નડિયાદ જેવા શહેરોમાં મોકલવામાં આવ્યું હતુ. એ સમયે ફ્લાવરનો ભાવ 300 રૂૂપિયાની આસપાસ હતો. વાદળ છાયા વાતાવરણ અને માવઠાની અસરના કારણે ભાવ નીચે બેસી ગયા છે. એક અઠવાડિયામાં જ 300 રૂૂપિયે ભાવ બોલાતો હતો, તે ફ્લાવરના હવે 30 રૂૂપિયા બોલાવા લાગ્યા છે. પોષણક્ષમ ભાવ ના મળવાથી ખેડૂતો શાકભાજી આસપાસના લોકોને આપી રહ્યા છે, તેમજ ખેતરમાં ઉભો પાક પશુઓને ખવડાવવા લાગ્યા છે.