વડોદરા રેલવે પોલીસે 11 બાળકો સહિત 18 લોકોને ટ્રેનમાંથી રેસ્કયુ કર્યા
બિહારથી ગુજરાત તરફ લઇ જવામાં આવતા હોવાની બાતમી મળી હતી
વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી છે, જ્યારે બિહાર રાજ્યના કટિયા જિલ્લામાંથી ટ્રેન મારફતે મુસાફરી કરતા 11 નાબાલિક બાળકો અને 7 પુખ્ત વયના લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બિહારથી મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાઈ હતી. બાતમીમાં જણાવાયું હતું કે કેટલાક બાળકોને શંકાસ્પદ રીતે ગુજરાત તરફ લઈ જવામાં આવી રહ્યાં છે. તેના પગલે વડોદરા રેલવે પોલીસએ તકેદારીપૂર્વક ટ્રેનોમાં તપાસ હાથ ધરી હતી.
પરિણામે, એક એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કુલ 18 લોકોને પોલીસ કસ્ટડીમાં લીધા હતા. રેસ્ક્યુ કરાયેલા 11 બાળકોની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જાતેજ ટિકિટ બુક કરાવી પોતાના વાલી-વારસ પાસે સુરત જતાં હોવાનું દાવો કર્યો હતો. જોકે, પોલીસ આ દાવાની સત્યતા અંગે ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે.
સુરત માટે જવા નીકળેલા બાળકો અને તેમની સાથે રહેલા પુખ્ત લોકો કોઈ ગેરકાયદે ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ, અથવા તેમને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવાની યોજના તો ન હતી, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. રેલવે પોલીસની ટીમે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થાન પર ખસેડી દીધા છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી સાથે મળીને આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ કરાયેલા લોકોના વાલી-વારસ સાથે સંપર્ક સાધવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. સાથે જ તેમની ઓળખ તથા મુસાફરી અંગેની વિગતોનું સત્યાપન કરવામાં આવી રહ્યું છે.