વડોદરા પૂરથી બેહાલ, 7 લાખ લોકો અંધારપટમાં
માંજલપુર, અટલાદરા, વાસણા, હરિનગર, ગોત્રી પાણીમાં ગરકાવ, વિશ્ર્વામિત્રીના પાણીનો નિકાલ ઢાઢર નદીમાં ન થતા અનેક વિસ્તારોમાં એક માળ જેટલું પાણી, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લીધે મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બન્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરા દોડાવ્યા હતા. સરકારે વડોદરા મોકલેલા મંત્રીઓમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વાકર્માએ વડોદરાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.
કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં ઠલવાય છે પણ અત્યારે ઢાઢર નદી જ બે કાંઠે હોવાના કારણે વિશ્વામિત્રી નદીના પાણીનો ઢાઢરમાં નિકાલ થઈ રહ્યો નથી. જેના કારણે શહેરમાં વિશ્વામિત્રીના પાણીનો કહેર યથાવત્ છે.
બીજી તરફ, મળતી વિગતો અનુસાર પહેલેથી જ પાણીમાં ગરકાવ વિસ્તારો તો બેહાલ છે જ પણ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, અટલાદરા, જુના પાદરા રોડ, જેતલપુર રોડ, વાસણા, હરીનગર-ગોત્રી જેવા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. આ વિસ્તારોના લોકો કશું સમજે તે પહેલા આજે સવારથી તેમની સોસાયટીઓમાં અને ઘરોમાં પાણી પ્રવેશવા માંડ્યા હતા. અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે, વિશ્વામિત્રીના પાણી આ વિસ્તારોમાં પહેલી વખત જોવા મળ્યાં છે.
વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, વિશ્વામિત્રીના પાણી જેટકોના અટલાદરા તેમજ વિદ્યુતનગર સબ સ્ટેશનમાંથી પ્રવેશી ગયા હોવાથી આ બંને સબ સ્ટેશનો બંધ કરવા પડ્યા છે. જેના પગલે આ સબ સ્ટેશનોમાંથી 45 વીજ ફીડરો પરનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. આ કારણસર વડોદરાના જૂના પાદરા રોડ, અકોટા, જેતલપુર રોડ, ગોત્રી, અલકાપુરી, અટલાદરા, વાસણા, ગોત્રી જેવા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.
વિશ્વામિત્રીના પૂરના કારણે ગઈકાલથી કારેલીબાગ, હરણી, સમા-સાવલી રોડ, ફતેગંજ જેવા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. આજે પણ આ વિસ્તારોમાં તો પાવર સપ્લાય શરુ થવાનો કોઈ સવાલ નથી પરંતુ નવા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાથી શહેરના કુલ 68 ફીડરો બંધ કરવા પડ્યા છે અને 370 ટ્રાન્સફોર્મરો પાણીમાં છે. આમ વડોદરામાં સાત લાખ કરતા પણ વધારે લોકો અંધારપટ હેઠળ છે અને જ્યાં સુધી પૂરના પાણી ઉતરે નહીં ત્યાં સુધી વીજ પુરવઠો ચાલુ કરી શકાય તેમ નથી.
વડોદરામાં પૂરના પાણી ઉતરતા શહેર આખામાં મગરોનો ખતરો વધ્યો
વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતરતા હવે મગરોનો ખતરો વધ્યો છે. જેમાં ફતેગંજ વિસ્તારના કામનાથ નગરમાં પૂરના પાણી ઓશર્યા તો ઘરમાં 15 ફૂટ લાંબો મગર હતો. તેમજ ફતેગંજની ઈએમઈ સ્કૂલ પાસે પણ મગર દેખાયો છે. શહેરના ફતેગંજ વિસ્તામા નરહરી હોસ્પિટલ રોડ પર આવેલા કામનાથનગરમા એક ઘરમાં પાણી ઉતરતા મોટો મગર જોવા મળ્યો હતો.મગર 15 ફૂટનો હોઈ સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. ઘટનાની જાણ થતા સામાજિક સંસ્થા અને ફોરેસ્ટ વિભાગ પર પહોંચી ગઈ હતી અને મગરનુ રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત ફતેગંજ ઇએમએસ સ્કૂલ પાસે પણ મગર દેખાતા તંત્ર પહોંચ્યું છે. વડોદરામાં પૂરના પાણી ઓસરવાની શરૂૂઆત થતા મગરો મેદાનમાં આવ્યા છે. જેમાં અગાઉ વિશાળકાય મગરે શ્વાનનો શિકાર કર્યા હતો. વિવિધ વિસ્તારોમાં મગરોનું આગમન થયુ છે. શહેરમાં પાણી ભરાતા મગરો માટે શહેર જ નદી બન્યુ હતુ. શ્વાનનો શિકાર કરી દીવાલ કૂદી મગર નદીમાં ગરકાવ થયો હતો. હવે મગરોથી શહેરીજનો ત્રસ્ત થયા છે. વડોદરા શહેરના માથેથી હાલ પૂરનું સંકટ ટળ્યુ છે. જેમાં હાલમાં વિશ્વામિત્રી નદી 33 ફૂટની સપાટીએ છે. હજુ પણ વિશ્વામિત્રી નદી ભયજનક લેવલથી 7 ફૂટ વધુ વહી રહી છે. કાલાઘોડા બ્રિજ પરથી પાણી ઓસર્યા છે. આજે સાંજ સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તેવી શકયતા છે. હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ પહોંચી નથી.
બે મંત્રી પૂરના પાણીમાં પગ મૂક્યા વગર ફ્લડ ટૂરિઝમ કરીને રવાના
વડોદરાને વિશ્વામિત્રીના પાણીએ ધમરોળવામાં કશું બાકી રાખ્યું નથી ત્યારે બુધવારે સરાકરના બે મંત્રીઓ ૠષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા મદદના નામે વડોદરામાં આવીને ફ્લડ ટુરિઝમ કરીને રવાના થઈ ગયા હોવાની લાગણી મોટાભાગના લોકોએ વ્યક્ત કરી હતી. આ બંને મંત્રીઓએ વડોદરાના પૂરના પાણીમાં પગ મૂકવાનુ પણ મુનાસિબ સમજ્યું નહોતું. તેમના માટે સૌથી વધારે ઉંચાઈ ધરાવતા ડમ્પરની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ પછી આ મંત્રીઓ જાણે સિંહાસન પર બીરાજીને શોભાયાત્રમાં નીકળ્યાં હોય તે રીતે વડોદરામાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે નીકળ્યાં હતા. સાથે તેમના રસાલામાં દરબારીઓની જેમ વડોદરાના અધિકારીઓ અને નેતાઓ જોડાયા હતા. આટલા પૂર વચ્ચે પણ તંત્ર પ્રોટોકોલ ભૂલ્યું નહોતું અને આગળ એક ગાડી સાયરન વગાડતી નીકળી હતી.મંત્રીઓના ફોટા પડે અને વિડિયોગ્રાફી થાય તેનું બરોબર ઘ્યાન રાખવામાં આવ્યું હતું. જ્યાં સુધી તેઓ વડોદરામાં હતા ત્યાં સુધી આખુ તંત્ર અને તમામ અધિકારીઓ તમામ પ્રકારની બચાવ કામગીરી છોડીને તેમની તહેનાતમાં રોકાઈ રહ્યાં હતા.એ પછી તેમણે રાબેતા મુજબ એક પત્રકાર પરિષદ યોજીને નિવેદન આપ્યા હતા.